વઢવાણમાં યુવતીની હત્યા કેસમાં યુવકનું રિકન્સ્ટ્રક્શન કરાયું
ટ્રેન રોકી લોકોએ વિરોધ કર્યા બાદ કાર્યવાહી
યુવકને ઘટના સ્થળે લાવી આસપાસના વિસ્તારમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં થોડા દિવસો પહેલા દિન-દહાડે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. જે અંગે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા નીપજાવનાર યુવકને ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથધરી હતી ત્યારે યુવતીની હત્યા નીપજાવનાર આરોપીનું પોલીસે બનાવ સ્થળ સહિત આસપાસના વિસ્તારોમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી યુવતી પાયલ સોલંકી ગત રવિવારે ધરેથી ખાનગી કંપનીમાં નોકરીએ જઈ રહી હતી તે દરમ્યાન અમન રાઠોડ નામના યુવકે તેનો પીછો કરી ગણપતિ ફાટસર વિસ્તારમાં દિન-દહાડે છરીના ઘા ઝીંકી યુવતીની હત્યા નીપજાવી હતી. જે અંગે મૃતકના પરિવારજને વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા નીપજાવનાર યુવક અમન રાઠોડને ઝડપી લીધો હતો. જ્યારે આ બનાવ બાદ મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો અને સ્થાનીકોએ યુવતીની હત્યા નીપજાવનાર યુવકનું સ્થળ પર સરઘસ કાઢવાની માંગ સાથે ગણપતિ ફાટસર વિસ્તારમાં ચક્કાજામ કર્યો હતો તેમજ લોકલ પેસેન્જર ટ્રેનને પણ ૩૦ થી ૩૫ મીનીટ સુધી રોકી વિરોધ દર્શાવ્યો હતો. જેને બીજે દિવસે વઢવાણ પોલીસ દ્વારા આરોપી અમન રાઠોડને ઘટના સ્થળ પર લાવી સમગ્ર હત્યાના બનાવનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સાથે સાથે ગણપતિ ફાટસર વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. અન્ય ગુન્હેગારોમાં કાયદાનો ડર બેસે તેવા હેતુથી સરઘસ કાઢયું હતુ. આ તકે વઢવાણ પીઆઈ, પીએસઆઈ સહિત બી-ડિવીઝન પોલીસ સ્ટાફ તેમજ સ્થાનીક રહિશો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.