VIDEO: ભાવનગરમાં જાહેરમાં પોલીસ પુત્રની હત્યાનો કેસ, આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
Bhavnagar News : ગુજરાતના ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં સાત વર્ષ જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ મહિલા પોલીસ કર્મચારીના દીકરા કેવલ વાઘોશીની સરા જાહેર ધોળા દિવસે કરપીણ હત્યા કરી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આ બનાવના ત્રીજા દિવસે બી. ડિવિઝન પોલીસ દ્વારા હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓનું રીકન્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતાં પોલીસે દોરડા વડે વિસ્તારને કોર્ડન કરવો પડ્યો હતો.
ત્રણ દિવસ પહેલા જાહેરમાં હત્યા નીપજાવી હતી
ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલ પંચવટી ચોક પાસે ત્રણ દિવસ અગાઉ ત્રણ શખ્સોએ સરાજાહેર પોલીસ પુત્ર કેવલ વાઘોશી નામના યુવકની ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી અને ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હત્યાને બનાવને લઈને પોલીસે ત્રણેય આરોપી અર્જુન સાટીયા, ભરત સાટીયા અને ભાર્ગવ સાટીયા 48 કલાકમાં ઘોઘારોડ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: ઓપરેશન શિલ્ડ: સાયરન વાગતા જ ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, બ્લેકઆઉટનો કરાશે અમલ
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, શહેરના ઘોઘારોડ પોલીસ મથકના પંચવટી ચોક નજીક ત્રણ દિવસ અગાઉ પોલીસ પુત્ર કેવલ વાઘોશી પોતાની કાર સર્વિસમાંથી લેવા ગયા હતા. ત્યારે સાતેક વર્ષ અગાઉ થયેલી હત્યાનો બદલો લેવા આવેલા અર્જુન લક્ષ્મણભાઇ સાટીયા, ભરત ખીમાભાઇ સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઇ સાટીયાએ એક સંપ કરી કેવલ વાઘોશીનું છરીના ઘા ઝીંકી, ગળુ કાપી ઘાતકી હત્યા કરી હતી. આ તમામ આરોપીઓનું પોલીસે આજે શનિવારે ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટનાનું રીકન્ટ્રક્શન કર્યું હતું અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી.