જિલ્લા ભાજપ મહામંત્રી જ્યાં પ્રિન્સીપાલ હતા તે B.Ed. કોલેજની માન્યતા રદ
3 બીએડ/એમએડ કોલેજને નો એડમિશન ઝોનમાં મુકાઈ : NCTRના નિયમ મુજબની વ્યવસ્થા ન હોવા છતાં કોલેજો ધમધમતી હતી : જય ત્રિવેદીને હવે પ્રવેશ સમિતી અને ડીનમાંથી પણ પડતા મુકાશે
જૂનાગઢ, : બીએડ અને એમએડ કોલેજ ગેરકાયદેસર ચાલતી હોવાના અગાઉ ગંભીર આક્ષેપો ઉઠયા હતા. આ અંગે ખુબ મોટો વિવાદ થયો હતો. જે ત્રણ ખાનગી કોલેજનો વિવાદ થયો હતો તેની અંતે માન્યતા રદ કરી નાખવામાં આવી છે. હવે ઉકાભાઈ ડોડીયા બીએડ કોલેજના પ્રિન્સીપાલ જેઓ જિલ્લા ભાજપના મહામંત્રી છે અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બીએડ પ્રવેશ સમિતીના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓને ડીન પણ બનાવી દેવામાં આવ્યા હતા. હવે જિલ્લા ભાજપ મહામંત્રી જે કોલેજના પ્રિન્સીપાલ હતા. તેની જ માન્યતા રદ થતા તેઓ ડીન અને પ્રવેશ સમિતીમાંથી પણ ઘરભેગા થાય તેવી શક્યતાઓ છે.
સોરઠ પંથકની ત્રણ વિવાદાસ્પદ બીએડ કોલેજની અંતે માન્યતા રદ કરવામાં આવી છે. આ ત્રણેય કોલેજમાં કેન્દ્ર સરકારની કમિટી એનસીટીઆરના નિયમ મુજબની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમગ્ર વિવાદ સર્જાયો હતો. નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, શૈક્ષણીક વર્ષ રપ-ર૬માં એડમિશનની પ્રક્રિયા જીસીએએસ પોર્ટલ દ્વારા કાર્યરત છે જે અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન બીએડ તથા એમએડ કોલેજને એનસીટીઈ દ્વારા માન્યતા રદ કરવામાં આવી છે જેથી નવા શૈક્ષણીક વર્ષમાં ઉકાભાઈ ડોડીયા બીએડ કોલેજ-સીમાર, શારદાગ્રામ કોલેજ ઓફ એજ્યુકેશન-માંગરોળ અને વી.બી. નાંડોળા બીએડ/એમએડ કોલેજ-ઉનાનો પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ત્રણેય કોલેજમાં વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહી તેની જાણ કરવામાં આવી છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થતા હવે તેની અસર શરૂ થઈ ગઈ છે. વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ હતા, જય ત્રિવેદી તેઓના ખાસ અને વિશ્વાસુ વ્યક્તિ ગણાતા હતા. કિરીટ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હતા ત્યારથી જય ત્રિવેદી તેમની સાથે મહામંત્રી તરીકે હતા. ભાજપના દમથી ખાનગી કોલેજના પ્રિન્સીપાલ હોવા છતાં જય ત્રિવેદીને યુનિવર્સિટીમાં મહત્વના હોદ્દાઓની લ્હાણી કરવામાં આવી હતી. ખરેખર નિયમ મુજબ બીએડ પ્રવેશ સમિતીમાં સરકારી કોલેજના પ્રિન્સીપાલ અધ્યક્ષ હોવા જોઈએ તેને બદલે ભાજપના હોદ્દેદાર હોવાથી ખાનગી કોલેજના પ્રિન્સીપાલ હોવા છતાં તેઓને બીએડ પ્રવેશ સમિતીના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓને ડીન પણ બનાવી દીધા હતા. પ્રવેશ સમિતીના અધ્યક્ષ અને ડીન તેઓ પ્રિન્સીપાલ હોવાના નાતે બન્યા હતા. હવે જય ત્રિવેદી જે કોલેજના પ્રિન્સીપાલ હતા તે કોલેજની માન્યતા રદ કરી નાખવામાં આવતા તેઓને બીએડ પ્રવેશ સમિતી અને ડીન તરીકે પણ પડતા મુકવામાં આવે તેવી ટેકનાલીટી ઉભી થઈ છે.
આ સમગ્ર મામલે નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિયુક્ત વી.સી. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ત્રણેય કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રવેશ ન લે તે માટે જીકાસ પોર્ટલમાંથી ઓનલાઈન ત્રણેય કોલેજના નામ કાઢી નાખવા માટેની જાણ કરી દેવામાં આવી છે અને આ ત્રણેય કોલેજને નો એડમિશન ઝોનમાં મુકી દેવામાં આવી છે. જે ખોટું હશે તેની સામે કડક હાથે દાખલારૂપ કામગીરી કરવામાં આવશે.