રાજકોટમાં સર્વાધિક તાપમાનના કારણો,ઘટતા વૃક્ષો,વધતા બાંધકામો અને વાહનો
રાજ્યમાં ગરમ નં.1, દેશના સૌથી ગરમ શહેરોમાં સમાવિષ્ટ
વાયુ પ્રદુષણ અને ગીચ બાંધકામોથી ગરમી વધારતી ગ્રીનહાઉસ ગેસની ઈફેક્ટ વધુ તેજ,શહેરમાં 20 લાખની વસ્તીમાં માત્ર ૪થી ૫ લાખ વૃક્ષો
જે સોસાયટીમાં વૃક્ષો છે ત્યાં ૫થી ૧૦ સે.ઓછુ તાપમાન, વૃક્ષો હવા શુધ્ધ કરવા સાથે કુદરતી કૂલર તરીકે કામ કરે છે
રાજકોટ: આખા ગુજરાતમાં સૌથી ગરમ શહેરોમાં પ્રથમ નંબરે રાજકોટ પ્રસ્થાપિત થયું છે અને સૌરાષ્ટ્રનું આ એક સમયનું પાટનગર સમગ્ર દેશમાં પણ સૌથી ગરમ શહેરોની સૂચિમાં વણજોઈતું સ્થાન મેળવ્યું છે. શહેરના ઈતિહાસમાં અને મૌસમ વિભાગમાં ૧૩૩ વર્ષમાં કદિ ન નોંધાયું હોય તેવું ઉંચુ તાપમાન આ વર્ષે નોંધાયું છે ત્યારે લોકોમાં સવાલ છે અમારું રાજકોટ આટલું ગરમ કેમ? સંશોધન અને સંપર્ક બાદ એક મુખ્ય કારણ બહાર એ આવ્યું છે કે શહેરમાં વૃક્ષો ઘટી રહ્યા છે અને બાંધકામો તથા વાહનો સાથે ગીચતા વધી રહ્યા છે.
રાજકોટને રહેવાલાયક નહીં રહેવા દે તેવી આ સમસ્યાના કારણોમાં (૧) મનપા સૂત્રો અનુસાર શહેરના ન્યારી,આજી,નાકરાવાડી,પ્રદ્યુમ્નપાર્ક એમ ભાગોળે આવેલા વિસ્તારોમાં તો વૃક્ષોની સંખ્યા ૧૬ લાખ જેટલી છે પરંતુ, શહેરમાં વૃક્ષો આશરે ૪થી ૫ લાખ છે. આમ, આશરે ૨૦ લાખની વસ્તી, ૧૫થી ૨૦ લાખ વાહનો, વચ્ચે વૃક્ષો નહીવત્ છે. વળી, આ વૃક્ષો સમતોલ રીતે આવેલા-વાવેલા નથી. જેમ કે ઢેબરરોડ, ત્રિકોણબાગ, ગોંડલરોડ, યાજ્ઞિાકરોડ, કાલાવડ રોડ જેવા મુખ્યમાર્ગો પર ચિક્કાર ટ્રાફિક જામ વચ્ચે વૃક્ષો દુર્લભ છે,વર્ષો પહેલાના ઘટાટોપવૃક્ષો કપાયા ત્યાં ફરી ઉગાડયા નથી.
જ્યારે (૨) બીજુ કારણ વાહનોની બેફામ ભીડથી ઝેરી વાયુઓ હવામાં સતત ભળતા રહે છે જે પ્રદુષણની સાથે હીટ વધારે છે. ગ્રીનહાઉસ ગેસની હાનિકારક ઈફેક્ટ શહેરમાં સતત વધી રહી છે. પ્રદુષણના નિયમોનું ચૂસ્ત પાલન કરાતું નથી. ઉપરાંત (૩) શહેરમાં આશરે ૬ લાખ બાંધકામો અને તે વિકાસ પણ હોરિઝોન્ટલ નહીં પણ ઉભો એટલે કે વર્ટીકલ થયો છે. ચોક્કસ એરિયાની કિંમત વધારે હોય ત્યાં અતિ ગીચ બાંધકામો થયા છે અને સરકારના જીડીસીઆરથી સાંકડી શેરી-માર્ગો પર લોરાઈઝ ખડકવા મોકળુ મેદાન પણ મળ્યું છે. આ કોંક્રિટના જંગલો હીટ પકડી રાખે છે અને શહેરને વધુ ગરમ કરે છે. (૪) શહેરની મધ્યે કોઈ તળાવ કે જળસ્ત્રોત નથી જે કારણે હીટ ઓછી થતી નથી. (૫) એ.સી. સહિત ઈલેક્ટ્રિસિટીના મહત્તમ ઉપયોગથી જે તે ઓફિસ,ઘરમાં ઠંડક લાગે પણ બહારનું હવામાન ગરમ થાય છે.
ધગધગતા આ શહેરને જીવવાલાયક બનાવવા સૌથી સરળ રસ્તો મહત્તમ અને દરેક સ્થળે સમતોલ રીતે વૃક્ષો વાવવા તે છે. તજજ્ઞાોએ જણાવ્યું કે ઘર-ઓફિસ આસપાસ વૃક્ષારોપણથી તાપમાન ૫થી ૧૦ સે.સુધી ઘટે છે કારણ કે વૃક્ષોમાં રહેલ ભેજમાં પસાર થતી હવાથી કુદરતી એરકૂલર જેવું કામ કરે છે. લોકોના હાથમાં બીજો રસ્તો ગીચ બાંધકામો અને ગીચ ટ્રાફિકવાળા સ્થળોએ ગીચતા વધારવાનું બંધ કરવું તે છે. જો આ ઉપાયો નહીં થાય તો કોઈ કોઈની સામે પગલા લેવાનું નથી પરંતુ, પ્રકૃતિ તો તેનું રૌદ્રરૂપ બતાવીને પરિણામ ચોક્કસ આપશે.