Get The App

અડાજણમાં ધરાશાયી ચોર આમલાના વૃક્ષના સ્થાને ગોરખ આંબલી વૃક્ષનું રિ-પ્લાન્ટેશન

નવસારીના ચીખલી પાસે હાઈવે પર રોડની કપાતમાં જતાં વૃક્ષને બચાવીને સુરત લવાયું

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
અડાજણમાં ધરાશાયી ચોર આમલાના વૃક્ષના સ્થાને ગોરખ આંબલી વૃક્ષનું રિ-પ્લાન્ટેશન 1 - image

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર

સુરતમાં અડાજણ એલ.પી.સવાણી રોડ પર તૂટી પડેલા 450 વર્ષ જૂના ચોર આમલાના વૃક્ષની જગ્યાએ નવસારીના ચીખલી પાસેના સાદકપોર ગામ પાસેથી ગોરખ આંબલીનું વૃક્ષ લાવીને રિ-પ્લાન્ટ કરાયું છે. ચીખલીમાં આ વૃક્ષ કપાતમાં જતું હોવાથી બચાવીને સુરત લવાયું છે. સંપૂર્ણ પ્રક્રિયા ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી.

અડાજણમાં ઐતિહાસિક એવું ચોર આમલાનું વૃક્ષ તા.2 મે,2020 ના રોજ વચ્ચેથી ચળાઈને ધરાશાયી થઇ જતાં પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉદાસી છવાઇ ગઇ હતી. આ વૃક્ષ કેવી રીતે તૂટી પડ્યું તે અંગે તપાસ પણ થઈ હતી. દરમિયાન અડાજણ ગામના યુવાનો અને ખોડિયાર મંદિર યુવક મંડળે નેચર કલબની મદદથી નવસારી પાસે ચીખલી હાઈવે પર રોડની કપાતમાં જતા 8 ફૂટનો બેઝ ધરાવતા ગોરખ આંબલીના વૃક્ષને બચાવીને તેની અડાજણમાં રિ-પ્લાન્ટ કર્યું છે. ડીસઇન્ફેક્શનની કામગીરી કરીને આ વૃક્ષ અહીં સ્થાપિત કરાયું છે. અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રી રિ-પ્લાન્ટેશન કહેવાય છે. આ વૃક્ષ ભારતીય મૂળનું નથી. મૂળ આફ્રિકન બાઓબાબ તરીકે જાણીતું છે


અભિ વ્યાસે કહ્યું કે , હેરિટેજ કહી શકાય એવા આ ઝાડની ખાસિયત એ છે કે ઈકોસાયકલમાં મહત્વનો રોલ ધરાવતી મધમાખીને આકર્ષવા માટે તે ખૂબ જ અગત્યનું છે. તે લાંબા સમય સુધી પાણીનો સંગ્રહ કરે છે જેથી 365 દિવસ લીલુંછમ જોવા મળે છે. તે વાઈલ્ડ લાઈફની લાઈફ સાઈકલને સપોર્ટ કરવામાં ઘણો અગત્યનો રોલ ભજવે છે. ચોર આમલાને અળસિયાનું ખાતર અને ફંગલ ઈન્ફેક્શન ન થાય એ માટે પાવડર નાંખીને પ્લાન્ટ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા સુધી તેને પાણી પીવડાવવાની જરૂર નથી.

મૂળ આફ્રિકન વૃક્ષ બાઓબાબનું આયુષ્ય 1 હજારથી પાંચ હજાર વર્ષ : મૂળ, છાલ, ફળ ઔષધિ તરીકે પણ વપરાય છે

ચોર અને લુંટારો આ ઝાડની બખોલમાં ચોરીનો સામાન છુપાવતા હોવાને કારણે તેને ચોર આમલો તરીકે પણ ઓળખાય છે. આ ઝાડનું આયુષ્ય 1 હજાર વર્ષથી લઈને પાંચ હજાર વર્ષનું મનાય છે. વૃક્ષ એક વખત ઊગી ગયા પછી તેને પાણીની જરૂર રહેતી નથી. તેના મૂળ, છાલ અને ફળ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત મેલેરિયાનાં ઉપચારમાં ક્વિનાઈનની અવેજીમાં કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એની છાલમાં કાપ મૂકતા ગુંદર ઝરે છે જે ઉંટ અને અન્ય પશુઓનાં ઘા રૂઝવવા માટે ઉપયોગી છે તેમજ માછીમારો જાળને તરતી રાખવા માટે એનાં સૂકા ફળને બોયા તરીકે પણ ઉપયોગ કરે છે.

Tags :