ખેડા જિલ્લાના 32 પૈકી 15 જૂના બ્રિજનું ફરી ઈન્સપેક્શન

- 20 વર્ષ જૂના પુલની ઝીણવટભરી તપાસ શરૂ
- ગાંધીનગરની ટીમ સાથે મળી માર્ગ અને મકાન સ્ટેટ વિભાગે ચેકિંગ હાથ ધર્યું
નડિયાદ : આણંદ અને વડોદરાને જોડતા મુજપુરા-ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશના પગલે ખેડા જિલ્લા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગે ૩૨ પૈકી ૧૫ બ્રિજનું ફેર ઈન્સપેક્શન હાથ ધર્યું છે. ગાંધીનગરની ડિઝાઈન વર્તુળ ટીમ અને કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને આ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી આ ફેર ઈન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હસ્તકના ૩૪ બ્રિજ પૈકી, ૨૦ વર્ષ કરતાં વધુ જૂના ૧૫ બ્રિજનું ઝીણવટભર્યું ઈન્સપેક્શન કરવામાં આવ્યું છે. આ કામગીરી હજુ પણ ચાલુ છે. હાલમાં બે મેજર બ્રિજ પર સમારકામ ચાલી રહ્યું છે. જેમાં રસિકપુરા- સાબરમતી બ્રિજનું એપ્રિલ મહિનાથી અને સેવાલિયા- મહિસાગર બ્રિજનું જૂન મહિનાથી રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત, બે માઈનોર બ્રિજ નવા બનાવવાની પ્રક્રિયા હેઠળ છે. બેટાવાળા-નિરમાલી રોડ પરના બ્રિજ માટે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, જ્યારે હેરંજ પાસે અલિણા-પણસોરા રોડ પરના બ્રિજ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે.
માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હેઠળના બિલોદરા બ્રિજ અને કપડવંજ સંગમ બ્રિજ ખૂબ જૂના હોવાથી જ્યાં જોખમ જણાતું હતું, ત્યાં વિભાગ દ્વારા અગાઉના ઈન્સપેક્શન દરમિયાન સ્થિતિનો અંદાજ મેળવી ચોમાસા અગાઉ જ મેજર સમારકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પુલો પર પણ માઈનોર રીપેરીંગ કરવામાં આવ્યું છે.
ખેડા જિલ્લામાં તમામ બ્રિજ સુરક્ષિત હોવાનો માર્ગ મકાન સ્ટેટનો દાવો
માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર વિવેકસિંહ જાએ જણાવ્યું હતું કે, બ્રિજનું રીપેરીંગ એ પીરીઓડીક મેઈન્ટેનન્સ અંતર્ગત ચાલતી સતત પ્રક્રિયા છે. ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ અંતર્ગત આવતા તમામ બ્રિજો સુરક્ષિત છે અને આ સતત ચાલતી પ્રક્રિયાને કારણે બ્રિજ સંબંધિત કોઈ મોટી કે મેજર ફરિયાદ નોંધાઈ નથી.









