હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે
રિઝર્વ બેન્કે ઓમ્બ્ડુસમાન 2025 સ્કીમ લોન્ચ કરીઃ જિલ્લા અને રાજ્ય સહકારી બેન્કોએ ૩૦ જ દિવસમાં ખાતેદારોની ફરિયાદ ઉકેલવી પડશે
ફરિયાદનો ઉકેલ ન આવતા બેન્ક ખાતેદારને પડેલી તકલીફ માટેનું વળતર રૃા. ૧ લાખથી વધારીને રૃા.૩ લાખ કરી દેવામાં આવ્યું

(્પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, સોમવાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નવી જાહેર કરેલી ઓમ્બ્ડુસમાન સ્કીમ ૨૦૨૫ હેઠળ બેન્ક ખાતેદારો અને બેન્ક સાથે નાણાંકીય વહેવાર કરનારાઓ તેમની ફરિયાદ ઓમ્બ્ડુસમાનને કરી શકશે. આ યોજના પહેલી નવેમ્બરથી અમલમાં આવી જશે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને રાજ્ય સહકારી બેન્ક સામે પણ આ યોજના હેઠળ ઓમ્બ્ડુસમાનને ફરિયાદ કરી શકાશે. આ ફરિયાદ ઓનલાઈન કરવાની રહેશે. આ ફરિયાદ https://cms.rbi.org.in પર કરવાની રહેશે. ફરિયાદ ઓનલાઈન જ કરવાની રહેશે. ફરિયાદની રિસિપ્ટ પણ ઓનલાઈન જ મળી જશે. આ ફરિયાદનો ઉકેલ ૩૦ દિવસમાં લાવી દેવો બેન્કો માટે ફરજિયાત છે. ખાતેદારનો સિબિલ રેકોર્ડ ખરાબ કર્યો હોય કે પછી સિબિલ રેકોર્ડમાં સુધારો ન કરતી હોય તો તેને લગતી ફરિયાદ પણ ખાતેદારો કરી શકશે
આ બેન્કો વ્યાજનો દર સમયસર ન ઘટાડવાને લગતી, હોમલોનને લગતી, મૃતક ખાતેદારના ખાતામાં પડેલી રકમ તેમના સ્વજનોનેસમયસર ન આપી હોય, મૃતકોના સ્વજનોને આપેલી રકમ પર ચૂકવવા પાત્ર વ્યાજ કરતાં ઓછું વ્યાજ ચૂકવ્યું હોય, ચેકની રકમ અન્ય કોઈ ખાતામાં જમા આપી હોય સહિતના મુદ્દાઓને લગતી ફરિયાદ કરી શકાશે. બેન્કે લોન પ્રોસેસિંગ માટે જરુર કરતાં વધારે ચાર્જ લીધા હોય તો તેને માટેની ફરિયાદ પણ ઓમ્બ્ડુસમાન ૨૦૨૫ યોજના હેઠળ કરી શકાશે. ટૂંકમાં બેન્ક દ્વારા આપવાની સેવામાં કોઈપણ પ્રકારની ક્ષતિ રાખવામાં આવી હોય તો તેને લગતી ફરિયાદ બેન્કોમાં કરી શકાશે. બેન્કો તેનો ઉકેલ ૩૦ દિવસમાં ન આપે તો ઓમ્બ્ડુસમાન ૨૦૨૫ હેઠળ ઓનલાઈન ફરિયાદ કરી શકાશે.
બેન્કના ખાતેદારોની તમામ તકલીફો કે ફરિયાદ મળ્યાનો ૩૦ દિવસમાં ઉકેલ લાવવાનું બેન્કો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.રિઝર્વ બેન્કની આ યોજના હેઠળ ખાતેદારને કોઈ આર્થિક નુકસાની થઈ હશે તો તે બેન્કોને ભરપાઈ કરવાની ફરજ પાડવામાં આવશે. તેને માટે બેન્કોને કરવા પાત્ર દંડની રકમ રૃા. ૨૦ લાખથી વધારીને ૩૦ લાખની કરી દેવામાં આવી છે. રિઝર્વ બેન્ક તો ઇચ્છે છે કે બેન્ક સામે આવતી ફરિયાદોનો બેન્કના સ્તરે જ ઝડપથી ઉકેલ આવી જવો જોઈએ.
રિઝર્વ બેન્કની પ્રસ્તુત યોજના ગ્રામીણ વિસ્તારના અને અર્ધ શહેરી વિસ્તારના ખાતેદારોને મજબૂત સલામતી પૂરી પાડશે. બેન્ક દ્વારા નિર્ધારિત ૩૦ દિવસમાં ફરિયાદનો ઉકેલ ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં ખાતેદારને પડનારી તકલીફ માટ ેતેમને આપવાનું થતું વળતર રુ. ૧ લાખથી વધારીને રૃા. ૩ લાખ કરી દેવામાં આવ્યું છે. આમ આ યોજના હેઠળ ઓછા ખર્ચે પારદર્શકતા સાથે અને કોર્ટ કેસની વરસો લાંબી જફા કર્યા વિના જ ખાતેદારોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સ્કીમ હેઠળ આવેલી ફરિયાદો અને તેના નિરાકરણ અંગેનો વાર્ષિક અહેવાલ રિઝર્વ બેન્કે દર વર્ષે જાહેર કરવાનો રહેશે. તેનાથી ગ્રાહકોની સમસ્યા ઉકેલવાની વ્યવસ્થા કેટલી સંગીન છે તેનો અંદાજ પણ આવી શકશે. રિઝર્વ બેન્કે ઓમ્બ્ડુસમાન ૨૦૫ યોજનાનો મુસદ્દો જાહેર કરી દેવામાં આવ્યો છે.