છાણી નાગરિક સહકારી બેન્કને RBI દ્વારા રૃપિયા ૪ લાખનો દંડ
ગત માર્ચમાં બેન્ક ખાતે આરબીઆઇના ઇન્સ્પેકશન પછી કેટલાક નિર્દેશોનું પાલન ન કરાયું
વડોદરા,શ્રી છાણી નાગરિક સહકારી બેન્કે આરબીઆઇના ઇન્સ્પેકશન પછી પણ નિર્દેશોનું પાલન નહીં કરતા આરબીઆઇએ ચાર લાખનો દંડ ફટકાર્યો છે.
આરબીઆઇએ કેવાયસી અંતગર્ત ગ્રાહક સંરક્ષણ, અનધિકૃત ઇલેકટ્રોનિક બેન્કિંગ લેતી દેતીમાં સહકારી બેન્કોના ગ્રાહકોની જવાબદારી સીમિત કરવી, પ્રાથમિક (શહેરી) સહકારી બેન્કો માટે પાયાનું સાયબર સુરક્ષા માળખું અને વ્યાપક સાયબર સુરક્ષા માટે ઢાંચો ઊભો કરવા માટે કેટલાક નિર્દેશ આપ્યા હતા. જેનું બેન્ક દ્વારા પાલન કરાયું ન હતું. બેન્કની નાણાકીય સ્થિતિ અંગે આરબીઆઇએ તા.૩૧ માર્ચના રોજ ઇન્સ્પેકશન કર્યું હતું. જેમાં આરબીઆઇના નિર્દેશનું પાલન નહીં કરવા બદલ બેન્કને દંડ કેમ ન કરવો તે અંગે કારણદર્શક નોટિસ આપી હતી. આ નોટિસ બાદ બેન્કે જે જવાબ આપ્યો તેના પર આરબીઆઇએ બીજા કારણોને પણ ધ્યાનમાં રાખીને દંડ મુનાસિબ માન્યો હતો. જે બીજા કારણો છે, તેમાં ૬ મહિનામાં એકવાર જોખમી વર્ગીકૃત ખાતાઓની સમીક્ષા કરવી, ગ્રાહકોને વિવિધ માધ્યમોથી અનધિકૃત ઇલેકટ્રોનિક બેંકિંગ લેતીદેતીનો રિપોર્ટ આપવાની ૨૪ કલાકની સુવિધા, સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક હેઠળ આરબીઆઇએ નિર્ધારિત કરેલા સુરક્ષા નિયંત્રણો લાગુ કરવામાં બેંક નિષ્ફળ રહી હોવાનું જણાયું છે.