સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ પડતર માંગોને લઇ રેલી યોજી
- 4 મહિનાનું કમિશન નહીં ચુકવતા વિરોધ વંટોળ
- કમિશન તાત્કાલીક ચુકવવામાં નહીં આવે તો અનાજ વિતરણ બંધ કરી હડતાળ પર જવાની દુકાનદારોની ચિમકી
સુરેન્દ્રનગર જિલ્લામાંં અંદાજે ૫૪૦થી વધુ સસ્તા અનાજની દુકાનો (રેશનિંગ દુકાનો)માં અંદાજે ૦૬ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને દર મહિને સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ વિતરણ કરવામાં આવે છે. જોકે, સસ્તા અનાજના દુકાનદારોને છેલ્લા ૦૪ મહિનાથી સરકાર દ્વારા કમિશનની રકમ ચૂકવવામાં આવ્યું નથી. જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા આજે સુરેન્દ્રનગર જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના નેજા હેઠળ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના ટાવર ચોકથી જીલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે રેલી યોજી હતી અને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિવિધ માંગણીઓ અંગે નારા લગાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી બાકીનું ૦૪ મહિનાનું કમિશન ચૂકવવા રજૂઆત કરી હતી. તેમજ મહિનામાં અનેક વાર સર્વર ડાઉન થતાં વિતરણ વ્યવસ્થા બંધ રહેતા ગ્રાહકો સાથે ઘર્ષણ થાય છે તે સમસ્યાનો પણ કોઇ ઉકેલ નથી આવતો અને પુરવઠા વિભાગ દ્વારા નિયમિત અને પુરતો જથ્થો પણ સમયસર આપવામાં આવતો નથી તે અંગે પણ રજૂઆત કરવામા આવી હતી. ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આગામી સમયમાં હડતાળ કરી વિતરણ વ્યવસ્થા ઠપ્પ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે.