રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેરાત

New govt circular Protest: ગુજરાત રાજ્યના રેશનિંગની દુકાનના સંચાલકોએ રાજ્ય સરકારના એક નવા પરિપત્રનો સખત વિરોધ કર્યો છે. આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં આવતાં રાજ્યભરના વેપારીઓએ સામૂહિક વિરોધ નોંધાવ્યો છે અને તેને અવ્યવહારુ ગણાવ્યો છે.
1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેરાત
વેપારીઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય, ત્યાં સુધી તેમનું અસહકારનું આંદોલન યથાવત રહેશે. વિરોધના ભાગરૂપે રાજ્યની તમામ રેશનિંગની દુકાનો 1 નવેમ્બરથી અનિશ્ચિત સમય માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સંચાલકોએ જણાવ્યું છે કે તેઓ અનાજની પરમિટ જનરેટ નહીં કરે અને આગામી મહિનામાં ખાંડ-અનાજ વિતરણની વ્યવસ્થાથી પણ અળગા રહેશે.
દુકાન સંચાલક મંડળે કડક નિયમો સામે વાંધો ઉઠાવ્યો
સરકારી પરિપત્રમાં લાગુ કરાયેલા નવા અને કડક નિયમો સામે વેપારીઓએ વાંધો ઉઠાવ્યો છે. જેમાં માલ ડિલિવરી માટે 9 સભ્યોની હાજરી બાયોમેટ્રિક ફરજિયાત કરવામાં આવી છે. સંચાલકોના મતે આ નિયમો અવ્યવહારુ છે અને તેમનું પાલન કરવું અશક્ય છે. તેમને દાવો કર્યો છે આ પ્રક્રિયાથી વહિવટી બોજ વધશે અને રેશનિંગને પ્રક્રિયામાં અડચણો ઉભી થતાં પ્રક્રિયા ધીમી પડશે. જેથી દુકાન સંચાલક મંડળે સરકારને કમિટીના સભ્યોની હાજરી અને બાયોમેટ્રિકની ફરજિયાત જોગવાઈને તાત્કાલિક રદ કરવા માંગ કરી છે.
નોંધનીય છે કે 1 નવેમ્બરથી સંચાલકો હડતાળ પર ઉતરતાં રાજ્યના લાખો ગરીબ અને જરૂરતમંદ પરિવારોને સીધી અસર થશે. જો દુકાનો બંધ રહેશે તો આ પરિવારોને સબસિડીવાળું અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત રહેવું પડશે.