સમાની રેશનિંગ દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું
લાભાર્થીઓનો અંગુઠો એડવાન્સમાં દુકાનદાર લેતો હોવાના આક્ષેપ કરાયા હતા
વડોદરા, તા.22 ઇ કેવાયસી મુદ્દે રેશનિંગ દુકાનના સંચાલકો તેમજ ગ્રાહકો વચ્ચે ઘર્ષણના બનાવો વચ્ચે સમા વિસ્તારમાં આવેલી રેશનિંગ દુકાનમાં લાભાર્થીઓને અનાજ આપવામાં ગેરરીતિ આચરાતી હોવાનું બહાર આવ્યા બાદ આ દુકાનનો પરવાનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
સમામાં રાજેશ અગ્રવાલ સંચાલિત રેશનિંગ દુકાનનું સંચાલન પોતે કરવાના બદલે કમલેશ ખટિક નામનો શખ્સ કરતો હતો. આ દુકાનમાં અનાજ લેવા આવેલી એક મહિલાને ઇ કેવાયસી મુદ્દે હેરાન કરવામાં આવી હતી અને અનાજ આપવામાં આવ્યું ન હતું. મહિલાએ આક્ષેપો કર્યા હતાં કે મે મહિનાનું અનાજ હજી આપવામાં આવ્યું નથી અને જૂન માસના અનાજના એડવાન્સમાં અંગુઠો મરાવે છે.
સમા વિસ્તારની રેશનિંગ દુકાનમાં ગેરરીતિની ફરિયાદના પગલે જિલ્લા પુરવઠાખાતાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં દુકાનના સંચાલક દ્વારા કેટલાંક ગોટાળા બહાર આવ્યા હતાં. પુરવઠા ઇન્સ્પેક્ટરો દ્વારા તપાસણીનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલ્યા બાદ આ દુકાનનો પરવાનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.