Gujarat

પૂરવઠા તંત્રના સર્વરના ધાંધિયાથી ગરીબોનું રાશનનું અનાજ અટક્યું

By GS TEAM
23 Jun 20251 min read
પૂરવઠા તંત્રના સર્વરના ધાંધિયાથી ગરીબોનું રાશનનું અનાજ અટક્યું

એક સાથે 3 મહિનાનું વિતરણમાં સંવેદનાહીન વહીવટી ક્ષતિઓ : તંત્રમાં સંવેદના છે કે નહીં : વારંવાર સર્વર ડાઉનથી સસ્તા અનાજની દુકાનોએ બેસી રહેવા લોકો મજબૂર 

રાજકોટ, : પૂરવઠા તંત્રમાં કેવાયસીથી માંડીને અનેકવિધ પ્રશ્નો અંગે ફેરપ્રાઈઝ શોપ એસોસીએશન દ્વારા વારંવાર રજૂઆતો કરાતી રહે છે અને અનેકવિધ વહીવટીક્ષતિઓ સામે તંત્રનું ધ્યાન દોરાતું હોય છે ત્યારે આજે સવારથી પૂરવઠા તંત્રના કોમ્પ્યુટર સર્વરાં ફરીથી ધાંધિયા શરુ થતા ગરીબોને અનાજનું ત્રણ માસનું એક સાથે થતુ વિતરણ અટકી પડતા લોકોએ પારાવાર મૂશ્કેલી વેઠવી પડી હતી.

ગરીબોને સહાય પહોંચાડવાને વાતોમાં અગ્રીમતા અપાય છે ત્યારે વ્યવહારમાં શુ સ્થિતિ છે તે જોવાની પણ જરૃર છે.સસ્તા અનાજના દુકાનદારોના સૂત્રોએ જણાવ્યું કે જ્યારથી ગ્રાહકોના ફીંગર પ્રિન્ટ લઈને આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિત થયા પછી જ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવું તેવી ઓનલાઈન સીસ્ટમ પૂરવઠા વિભાગ દ્વારા શરુ થઈ છે ત્યારથી સર્વર ડાઉનની સમસ્યા સમયાંતરે થતી રહે છે. 

આધુનિક ડીજીટલ યુગમાં રાજકોટ  સહિતના સ્થળે સર્વર ડાઉનના કારણે ગરીબ રાશનકાર્ડ ધારકો ત્રાહિમામ પોકારી ગયા છે. એક સાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરાતું હોય દુકાનો પર રાશનકાર્ડ ધારકોની ભીડ પણ વધારે રહે છે તેમાં આ ધાંધિયાથી પારાવાર મૂશ્કેલી સર્જાય છે જેનો સત્વરે ઉકેલ લાવવા ભારપૂર્વક માંગણી કરાઈ છે.