Ratanmahal Tiger Expands Territory: છેલ્લા 11 મહિનાથી રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં ફરી રહેલા વાઘે તેના વિસ્તારમાં નોંધપાત્ર વધારો રહ્યો છે. વન વિભાગના સૂત્રો અનુસાર વાઘની વ્યાપક હિલચાલ જોડીદારની શોધ સાથે સંબંધિત હોઈ શેક છે. કારણ કે આસપાસના વિસ્તારમાં કોઈ માદા વાઘની હાજરી હજુ સુધી સ્પષ્ટ નથી.
દૂર દૂર સુધી જોડીદારની શોધમાં વાઘ
ગુજરાતનાં વનવિભાગની દેખરેખ હેઠળ એક મહિનામાં આ વાઘે આશરે 120 ચોરસ કિમીના વિસ્તારને પોતાના ક્ષેત્ર તરીકે ચિહ્નિત કર્યો છે. જે પહેલા માત્ર રતનમહાલ આસપાસ મર્યાદિત હતો, પરંતુ તે હવે દૂર દૂરના વિસ્તારોમાં ફરી રહ્યો છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વાઘ દેવગઢ બારિયા, છોટાઉદેપુર, ડોલરિયા, સાગતાળા અને સુખી ડેમ વિસ્તારમાં પણ જોવા મળ્યો છે. આ બધા સ્થળો રતનમહાલથી 25 કિમીના વિસ્તારની ત્રિજ્યામાં આવેલા છે.
છોટાઉદેપુરની બહાર જંગલ વિસ્તાર સુધી ગયો હોવાની પુષ્ટિ
છેલ્લી પુષ્ટિ છોટાઉદેપુરમાં લગાવેલા કેમેરા ટ્રેપમાંથી મળી છે. જ્યાં વાઘનો ફોટો કેદ થયો છે. આખા માર્ગ પર કેમેરા લગાવેલા નથી પરંતુ દેવગઢ બારિયામાં પણ વાઘના પંજાના નિશાન જોવા મળ્યા છે. વાઘ દાહોદ જિલ્લાની બહાર પણ જંગલી વિસ્તારમાં ગયો હોવાની પુષ્ટિ થઈ છે. કેટલાક દિવસ પહેલા વાઘ સાગતાલા, ડોલરિયા અને સુખી ડેમ વિસ્તારમાં વારંવાર જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે તે જુદી જુદી દિશામાં હિલચાલ કરી રહ્યો છે.
વડોદરાના વનવિભાગે જણાવ્યું હતું કે, વાઘનો વિસ્તાર અગાઉના મહિનાઓની તુલનામાં ઘણો મોટો થયો છે. અમારી ટીમો વાઘના માર્ગની નિરીક્ષણ કરી રહી છે અને સ્થાનિક લોકોને પણ સતર્ક કરી રહી છે. ઉનાળાના આગમન સાથે તે રતનમહાલ પરત આવશે તેવી અપેક્ષા છે.
નોંધનીય છે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ વાઘ ગત વર્ષે ફેબ્રુઆરીમાં પ્રથમ વખત ગુજરાતમાં પ્રવેશ્યો હતો અને શરૂઆતમાં રતનમહાલ અને મધ્ય પ્રદેશના અલીરાજપુરના નાના વિસ્તારમાં જોવા મળ્યો હતો. વાઘનું મૂળ સ્થાન હજુ અજ્ઞાત છે કારણ કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશ પાસે તેનો કોઈ રેકોર્ડ નથી. તેને હજુ ટેગ કરવામાં આવ્યો નથી.


