નવરાત્રિએ કરો વીણાવાદિની માતા સરસ્વતી દેવીના નૃત્ય મુદ્રામાં દર્શન, દુર્લભ ચિત્રનું પ્રદર્શન
Navratri 2025: સામાન્ય રીતે વિદ્યાની દેવી તરીકે ઓળખાતા વીણાવાદિની માતા સરસ્વતીની પ્રતિમા આપણે ઘણા સ્થળે જોઇ હશે પરંતુ દક્ષિણ ભારતના મંદિરોમાં પત્થરોમાં કંડારવામાં આવેલી સરસ્વતી માતાની નૃત્ય મુદ્રાની પ્રતિમાનું દર્શન ગુજરાતમાં ભાગ્યે જ થાય છે. અલબત્ત આજે રાજકોટની રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીના ચિત્ર પ્રદર્શનમાં માતા સરસ્વતીની નૃત્ય મુદ્રા સાથે દુર્લભ ચિત્રો ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનમાં જોવા મળી હતી.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીનું પુનઃ નિર્માણ થતાં હવે લલીતકલાના રસિકો માટે શહેરમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઇ છે. આ આર્ટ ગેલેરીમાં કર્ણાટકના હાલેબીડુ વિસ્તારમાં મંદિરની બહાર સરસ્વતી માતાની નૃત્ય મુદ્રાનું શિલ્પ જોવા મળ્યું હતું. પથ્થરમાં કંડારવા પ્રતિમાને ગોંડલના વરિષ્ઠ ચિત્રકાર ભરતભાઇ તલસાણીયાએ કેન્વાસ ઉપર કલર ચિત્ર થકી ઉપસાવી છે. શિલ્પ અને સ્થાપત્ય કલાના બેનમુન સમી માતા સરસ્વતીની પ્રતિમાનું નિર્માણ ચાલુક્ય વંશના સમયગાળામાં થયું હોવાનું અનુમાન છે. ચિત્રકલાના વિવિધ ક્ષેત્રોમાં હથોટી ધરાવતા ભરતભાઇ કહે છે પથ્થરમાંથી પ્રતિમાનું નિર્માણ કરવામાં શિલ્પકાર પોતાનો જીવ રેડી દેતો હોય છે ત્યારે પ્રતિમા હમણા બોલી ઉઠશે તેવી અનુભૂતિ થાય છે. આ પ્રકારના શિલ્પના ચિત્રો તૈયાર કરવામાં વિશેષ શોખ હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજકોટનાં ચિત્રકાર સુરેશ રાવલના બે ચિત્રો આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. એક ચિત્રનું નામ છે. 'રવિમુ્રદુ' જે ચિત્ર શિયાળાના મનમોહક તડકાની અનુભૂતિ કરાવતા રાજકોટના ૧૦૦ વર્ષ જૂના મકાનોના બાંધકામની વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરે છે. બીજુ ચિત્ર રેસકોર્સના પ્લેનેટોરિયમ નજીકના વરસાદની અનુભૂતિનો પરિચય કરાવે છે. મહિલા ચિત્રકાર આરતીબેન ચોકસી લોકજાગૃતિ લક્ષી ચિત્રોના માસ્ટર ગણાય છે. તેઓએ અગાઉ ટ્રાફિકના નિયમોની જાગૃતિના ચિત્રો તૈયાર કર્યા છે. ચિત્ર પ્રદર્શનમાં બાળ મજુરી નાબૂદીનો તેમજ 'સેવ ટાઇગર'નો સંદેશો આપતા સુંદર ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. રાજકોટ વિજ્યુઅલ સોસાયટી આયોજિત ચિત્ર પ્રદર્શનમાં આજે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ જોવા મળ્યા હતા.