Gujarat

ચોમાસામાં દુર્લભ લેસ્સર ફ્લોરીકન ભાવનગરના મહેમાન બન્યા : 25 થી વધુનો અંદાજ

By GS TEAM
7 Sep 20252 mins read
ચોમાસામાં દુર્લભ લેસ્સર ફ્લોરીકન ભાવનગરના મહેમાન બન્યા : 25 થી વધુનો અંદાજ

- સાઉથ ઇન્ડિયાથી લાંબો પ્રવાસ ખેડી

- વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા સર્વે પૂર્ણ, ઉંચા ઘાસ ઉગી નીકળતા ગણતરી સંભવિત

ભાવનગર : મે-જુન પૂર્વે નેસ્ટીંગ માટે સાઉથ ઇન્ડિયાથી અનુકુળ વાતાવરણને લઇ દુર્લભ અને લુપ્ત થતી લેસર ફ્લોરીકનની પ્રજાતી ભાવનગર વેળાવદર ભાલના મહેમાન બને છે. આ વર્ષે હાલ ૨૫થી વધુ લેસર ફ્લોરીકનની હાજરી મળી છે. જ્યારે ડબલ્યુ.આઇ.એફ.નો સર્વે પણ તાજેતરમાં થયો છે.

વિશ્વમાં પક્ષીઓની અનેક જાત છે. પરંતુ કેટલાક પક્ષી લુપ્ત થવાની અવસ્થામાં જીવી રહ્યા છે તે પૈકીનું લેસર ફ્લોરીકન છે. જે ઘાસીયા મેદાનોની વિશેષ પસંદગી કરે છે. જ્યારે ચોમાસાના દિવસોમાં બ્રીડીંગ પીરીયડ માટે દર વર્ષે ભાવનગર વેળાવદર ભાલ પંથકના મહેમાન બને છે. સાઉથ ઇન્ડિયાથી ચોમાસાના પ્રારંભ સાથે ઉડાન ભરી લાંબુ અંતર કાપી તે આવે છે અને ઇંડા મુકી તેના બચ્ચા સાથે ઓક્ટો.-નવેમ્બરમાં ઘરવાપસી કરતા હોય છે. જો કે, આ સમય દરમિયાન વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની ટીમ સમગ્ર ભારતમાં ઘાસીયા મેદાનોમાં સર્વે કરે છે જેનો રિપોર્ટ આવ્યે સત્યની નજીકનો અંદાજ સામે આવશે. ગત વર્ષે ૬૦ થી ૭૦ લેસર ફ્લોરીકન ભાવનગરના મહેમાન બન્યા હતાં જેનું મુખ્ય કારણ વેળાવદર ભાલની આબોહવા છે અને વરસાદમાં ઉત્પન્ન થતા જીવજંતુ, દેડકા, માછલી જેવો ખોરાક સરળતાથી મળી જાય છે. આ બ્રીડને બચાવવા અહી સાત વર્ષતી ઇંડાનું કુત્રીમ સેવન કરી તેના ઉછેરની કાળજી રખાય છે. મહદઅંશે આ પક્ષી ઘાસના સમુહમાં કાદવ કિચડના ઉપરી કડોર સતહ પર સીઝનમાં ઇંડા મુકતું હોય છે. પરંતુ ભારે વરસાદની સાથે કુતરા વરૂ જેવા પશુઓનો પણ ખતરો રહેતો હોય છે. ત્યારે આવી જોખમી જગ્યા પરથી ઇંડા મેળવી કુત્રીમ સેવન કરી તેની બ્રીડ બચાવવાની કાર્ય પ્રણાલી અમલી કરી છે.

લેસર ફ્લોરીકનના 15 બચ્ચાને કુત્રીમ નેસ્ટીંગ દ્વારા ઉછેર કરાયો

વન વિભાગ દ્વારા લેસર ફ્લોરીકન પ્રજાતિને બચાવવા વર્ષ ૨૦૧૯-૨૦થી લેબ કાર્યરત કરાય છે જ્યાં અતિ દુર્ગમ અને ઇંડા નષ્ટ થવાની પુરી સંભાવના હોય ત્યાંથી ઇંડા મેળવી આ લેબમાં લવાય છે અને પર્યાપ્ત અને અનુકુળ ટેમ્પ્રેચર, ખોરાકનું નિયમન કરાય છે. સામાન્ય રીતે બચ્ચાની પાંખો ખુલતા સાડા ચાર કલાકનો સમય લે છે અને ૧૯-૨૦માં ૩, ૨૦-૨૧માં ૬, ૨૧-૨૨માં ૪ એમ કુલ મળી અત્યાર સુધીમાં કુલ ૧૫ ઇંડાનું કુત્રિમ સેવન કરી બીડીંગ કર્યાં હોવાનું જણાયું છે. જેના માટે પુરતા સ્ટાફની તેમજ ડોક્ટર સ્ટાફની પણ નિમણૂક કરાઇ છે.