Get The App

ધન્વંતરી રથમાં પણ રેપીડ ટેસ્ટ કરાશે, પોઝિટિવ દર્દીને તુરંત આઇસોલેટ કરાશે

સુરતના પૂર્વ કમિશ્નર એમ.થેન્નારશનને ખાસ ચાર્જ સોંપાયોઃ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી રણનીતિ બનાવાઇ

સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા હવે અમદાવાદની પેટર્ન

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News

સુરત, તા. 15 જુલાઈ, 2020, બુધવાર

સુરતમાં વધતાં જતાં સંક્રમણને હવે અમદાવાદ પેર્ટનથી રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા સુરતના ખાસ અધિકારી તરીકે એમ. થેન્નારશનને ચાર્જ સોંપાયો છે. જુદા જુદા વિસ્તારમાં ફરતાં ધન્વંતરી રથમાં હવે કોવિડનો રેપીડ ટેસ્ટ કરી ત્યાં જ દર્દીને ઓળખીને આઇસોલેટ કરવાની કામગીરી કરાશે. આઇસોલેટ કરેલા દર્દીના ઘરે મ્યુનિ. ટીમ જઇને ઓક્સિજન લેવલ પણ ચેક કરશે.

સુરતમાં સંક્રમણ પર રોક લગાવવા માટે હવે સરકારે સુરતના પુર્વ મ્યુનિ. કમિશ્નર અને જીઆઈડીસીના એમ.ડી. એમ. થેન્નારશનને સુરતની જવાબદારી સોંપાઇ છે. તેમણે અમદાવાદની જેમ સુરતમાં સંક્રમણ ઘટાડવા રણનીતી બનાવવા આજે પહેલા દિવસથી જ બેઠક શરૃ કરી દીધી છે. જેમાં ટેસ્ટીંગ વધારવા પર ભાર મુક્યો છે. હાલમાં  હોસ્પીટલ કે આરોગ્ય કેન્દ્ર સુધી ટેસ્ટ કરાવવા માટે લોકો જતાં અચકાતા હોવાથી હવે શહેરમાં ફરતાં ધન્વન્તરી રથમાં પણ ટેસ્ટીંગ કીટ રાખીને ટેસ્ટીંગનં આયોજન કરાયું છે.

હાલમાં પોઝિટિવ દર્દીને ઓળખીને આઇસોલેટ કરવામાં વિલંબ થતો હોવાથી સંક્રમણ વધી રહ્યું છે. જેથી ધન્વંતરી રથમાં રેપીડ ટેસ્ટ કીટ રખાશે અને તેની મદદથી ટેસ્ટ કરીને પોઝિટિવ દર્દીને ઓળખીને ત્વરીત આઇસોલેટ કરવા પર ભાર મુકાશે. એમ.થેન્નારશન એન્ફોર્સમેન્ટની કામગીરી તથા કોવિડ સંબંધિત તમામ કામગીરી સાથે ખાનગી હોસ્પિટલમાં બેડ અંગે નડતી મુશ્કેલી અંગેની કામગીરી કરશે. સુરતમાં હાલમાં સ્ટાફની અછત હોવાથી તેની વ્યવસ્થાની કામગીરી પણ તેઓ કરશે.

સુપર સ્પ્રેડર્સના ટેસ્ટીંગ પણ વધુ કરાશે

સુરતમાં અન લોક બાદ સુપર સ્પ્રેડર્સના રેન્ડમ ટેસ્ટીંગની કામગીરી પણ અટકી ગઈ છે.  એમ. થેન્નારશને સુપર સ્પ્રેડર્સના ટેસ્ટીંગની કામગીરી પણ સઘન બનાવવા સુચના આપી દીધી છે. સુરતમાં પહેલા સુપર સ્પ્રેડર્સ તરીકે ગણ્યા ગાંઠયા હતા પરંતુ હવે સુપર સ્પ્રેડર્સ ઘણાં વધી ગયાં છે.  ક્યા સુપર સ્પ્રેડર્સથી સંક્રમણ વધી રહ્યું છે તેને પ્રાયોરિટની આપીને તે સુપર સ્પ્રેડર્સના રેન્ડમ ટેસ્ટ શરૃ કરાશે.  આવતીકાલે તેઓ પોલીસ કમિશ્નર સાથે બેઠક કરી સંક્રમણ અટકાવવા પગલા અંગે ચર્ચા બાદ નીતિ બનાવાશે.

Tags :