For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોટાદમાં બાળકીના દુષ્કર્મ અને હત્યાના પડઘા રાજકોટમાં પડયા, લોકોએ બેનરો સાથે રેલી યોજી

દેવી પૂજક સમાજે રેલી યોજીને કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું

પોલીસ અને દેવીપૂજક સમાજના યુવાનો વચ્ચે રકઝક

Updated: Jan 25th, 2023



રાજકોટ, 25 જાન્યુઆરી 2023 બુધવાર

બોટાદમાં દેવીપૂજક સમાજની 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં દેવીપૂજક સમાજ દ્વારા બેનરો સાથે રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની સજા આપવા માગ કરી હતી. આ સમયે પોલીસ અને દેવીપૂજક સમાજના યુવાનો વચ્ચે રકઝક થઈ હતી. તેમજ પોલીસે ટોળાં વિખેરવા માટે પ્રયાસ કરતા લોકો ગાળાગાળી કરતા નજરે પડ્યા હતા.

પોલીસે ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો
દેવીપૂજક સમાજના યુવાનો રસ્તા પર ઉગ્ર બનીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ કમિશનર કચેરીએ ટોળેટોળાં એકત્ર થતા અને સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને વિખેરવા પ્રયાસ કર્યો હતો. પોલીસ ટોળાને વિખેરી રહી હતી ત્યારે અમુક યુવાનો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. પોલીસે છેક રેસકોર્સ રિંગરોડ સુધી ટોળાને વિખેરવા જવું પડ્યું હતું. તેમ છતાં લોકો રોષે ભરાઇને આરોપીને સજા આપો સજા આપોના સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા.

વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
15 જાન્યુઆરીએ બોટાદમાં દેવીપૂજક સમાજની 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. જેને લઈને દેવીપૂજક સમાજ દ્વારા ઠેર-ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતેથી પોલીસ કમિશનર કચેરી સુધી દેવીપૂજક સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં બહુમાળી ચોક નજીક થોડીવાર માટે વાહન-વ્યવહાર રોકી દેવીપૂજક સમાજના લોકો દ્વારા વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Gujarat