રણોલી બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે ૮ દિવસ બંધ
બ્રિજનો લોડ ટેસ્ટ કરવાનો હોઇ વૈકલ્પિક રૃટ જાહેર કરાયો
વડોદરા,ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર દ્વારા શહેર જિલ્લાના તમામ બ્રિજોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રણોલી બ્રિજનો લોડ ટેસ્ટ કરવાનો હોવાથી આજથી ૮ દિવસ માટે રણોલી બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
૯ મી તારીખે ગંભીરા બ્રિજ તૂટી પડતા ૨૧ લોકોના મોત થયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા તમામ બ્રિજોનું નિરીક્ષણ શરૃ કરવામાં આવ્યું છે. ગંભીરા બ્રિજ તરફથી આવતા ટ્રાફિકને રણોલી બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. બ્રિજ પર વધુ પડતા વાહનોની અવર - જવર થાય તો તેને નુકસાન થવાની સંભાવના હોવાથી વૈકલ્પિક રૃટ જાહેર કરી રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિઝાઇન સર્કલ, ગાંધીનગર અને સરકાર દ્વારા નિમવામાં આવેલા કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજનો લોડ ટેસ્ટ કરવાનો છે. જેથી, ૮ દિવસ માટે રણોલી બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે રણોલી ચોકડીથી રણોલી બ્રિજ પરથી પેટ્રોફિલ્સ ચોકડી, જી.આઇ.પી.સી.એલ. કંપની,રિલાયન્સ કંપની, કરચીયા ગામ, નંદેસરી જી.આઇ.ડી.સી. તરફ વાહનો જઇ શકશે નહીં. વાહનો નેશનલ હાઇવેથી પદમલા બ્રિજ નીચેથી રણોલી સ્ટેશન ફાટક ોેથઇ, રણોલી બ્રિજ નીચેથી જઇ શકશે.