Gujarat

જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ છલકાયો: 23 જળાશયોમાં નવાં નીર

By GS TEAM
23 Jun 20252 mins read
જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ છલકાયો: 23 જળાશયોમાં નવાં નીર

એક જ રાતમાં શહેરની પાણીની સમસ્યા દૂર, : રૂપાવટી, ફુલજર -2, વિજરખી, સપડા અને કોટડા બાવીસી સહિતના ડેમો 70  ટકા ભરાતાં નિચાણવાળા વિસ્તારના લોકોનેે સાવચેત કરાયા

જામનગર :  જામનગરનો રાજાશાહી સમયનો અને એક માત્ર જામનગર મહાનગરપાલિકાની માલીકીનો અને શહેરની જીવાદોરી સમાન  રણજીતસાગર ડેમ ગઈકાલે રાત્રે તેની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈને ઓવરફ્લો થઇ જતાં સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો છે. ચોમાસાની સિઝન ચાલુ થતાંની સાથે જ  પ્રથમ સંતોષજનક વરસાદમાં શહેરના મુખ્ય જળોત છલકાતા જામનગરવાસીઓની પીવાના પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

જામનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદના પગલે અનેક જળાશયોમાં પાણીની અવિરત આવક નોંધાઈ હતી. ગત મોડી રાત્રિના સુમારે જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો.ડેમમાં એક જ દિવસના વરસાદમાં આખું વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો આવી ગયો છે. 

ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાથી જામનગરની રંગમતી નાગમતી નદી સુધી પાણી આવી પહોંચ્યું હતું.  અને ખાલીખમ રહેલી રંગમતી નદીમાં પાણી વહેતા થયા હતા.જામનગર શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી. અને સલામત સ્થળે રહેવા જણાવાયું છે.

મોસમના પ્રથમ વરસાદમાં જ જિલ્લાના 25 માંથી 23 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. અને એક ફૂટ થી ચાર ફૂટ સુધીનું નવું પાણી આવ્યું છે. સસોઈ ડેમ, ઉંડ ડેમ,આજી -4 માં પણ નવા નીરની આવક થઈ છે. સપડા, વિજરખી, ફુલજર -2, રૂપાવટી, અને કોટડાબાવીસી જે ડેમો 70 થી 80 ટકા ભરાઈ ગયા છે. અને ટૂંક સમયમાં જ  ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઈને ઇરીગેશન વિભાગ દ્વારા પાંચેય ડેમના નિચાણ વાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.