અમદાવાદમાં કેનેડાના PR વિઝા અપાવવાના બહાને ₹35 લાખની છેતરપિંડી, પિતા-પુત્રી સહિત ચાર સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Fake Canada PR visa racket in Ahmedabad: વિદેશ જવાની લાલચમાં વધુ એક અમદાવાદી વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય બિઝનેસમેનને કેનેડાના પરમેનન્ટ રેસિડન્સી (PR) વિઝા અપાવવાનું કહી ચાર લોકોએ મળીને રૂ.35 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં કેનેડા સ્થિત પિતા અને તેની પુત્રી સહિત ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ દરિયાપુરમાં હાર્ડવેરની દુકાન ધરાવતા ફરિયાદી વિષ્ણુભાઈ પટેલનો સંપર્ક જૂન 2023માં તેમની સાસુ મારફતે અશ્વિનભાઈ પટેલ નામના શખ્સે કર્યો હતો.
અશ્વિનભાઈએ પોતે કેનેડામાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ હોવાનો દાવો કર્યો અને વિષ્ણુભાઈ તથા તેમની પત્નીને રૂ.70 લાખમાં PR વિઝા કરાવી આપવાની ખાતરી આપી. એટલું જ નહીં, તેણે IELTS પરીક્ષા પણ 'સેટિંગ'થી પાસ કરાવી દેવાનું વચન આપ્યું હતું. અશ્વિનભાઈ પર વિશ્વાસ કરીને વિષ્ણુભાઈએ પ્રારંભિક એડવાન્સ તરીકે રૂ.35 લાખ આપવાનું નક્કી કર્યું.
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે જુલાઈ 2023માં રૂ.10 લાખ રોકડા અને રૂ.25 લાખના પાંચ અનસાઇન્ડ ચેક અશ્વિનભાઈની પુત્રી સુવર્ણાબેન પટેલ (ઉર્ફે ટીના પટેલ)ને આપ્યા હતા. આરોપીઓએ કહ્યું હતું કે અશ્વિનભાઈની ગેરહાજરીમાં સુવર્ણાબેન તમામ પેપરવર્ક અને પેમેન્ટ સંભાળશે. વિષ્ણુભાઈએ પોતાના અને પત્નીના પાસપોર્ટ, શૈક્ષણિક દસ્તાવેજો વગેરે પણ વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ આપેલા પાંચેય ચેક અશ્વિનભાઈ પટેલ, સુરજભાઈ પ્રજાપતિ અને જીગરભાઈ પટેલના અલગ-અલગ ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની જાણ વિષ્ણુભાઈને પાસબુક ચેક કરતાં થઈ હતી.
થોડા અઠવાડિયા પછી આરોપીઓએ જાણ કરી કે IELTSનું 'સેટિંગ' થઈ શક્યું નથી અને વિષ્ણુભાઈએ જાતે જ પરીક્ષા આપવી પડશે. વારંવાર ખાતરી આપવા છતાં પીઆર વિઝાની ફાઈલ આગળ ન વધતા વિષ્ણુભાઈને શંકા ગઈ. જ્યારે તેમણે ઉઘરાણી કરી તો અશ્વિનભાઈએ વિષ્ણુભાઈની સાસુના વોટ્સએપ પર એક નકલી લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) લેટર મોકલીને પ્રક્રિયા ચાલુ હોવાનો દેખાવ કર્યો. જોકે, વિષ્ણુભાઈએ ચકાસણી કરતાં આ દસ્તાવેજ બોગસ હોવાનું માલુમ પડ્યું હતું.
જ્યારે વિષ્ણુભાઈએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે અશ્વિનભાઈ અને સુવર્ણાબેન બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને 'કેનેડાના વિઝા નિયમો બદલાઈ ગયા છે' તેવા બહાના બનાવવા લાગ્યા. આખરે તેઓએ જવાબ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું.
ત્યારબાદ વિષ્ણુભાઇને અહેસાસ થયો કે તેમની સાથે ખોટા વચનો અને બોગસ દસ્તાવેજોના આધારે રૂ.35 લાખની ઠગાઈ થઈ છે. રાણીપ પોલીસે આ મામલે છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને બનાવટની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. આરોપીઓને ટ્રેસ કરવા તેમજ અન્ય કોઈ પીડિતો સાથે આ જ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.









