નર્મદા નદી પર પોઇચા નજીક રંગ સેતુ પુલ ભારે વાહનોની અવરજવર માટે બંધ
Rang Setu Bridge : નર્મદા નદી પર પોઇચા ગામ પાસે ડભોઇ-સેગવા-રાજપીપળા રોડ પર આવેલા રંગ સેતુ પૂલને ભારે વાહનોના ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. આ માટેનું જાહેરનામું કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે. રંગસેતુ પૂલની નબળી હાલત હોવાથી આ નિર્ણય લેવામાં આવેલો છે. જ્યાં સુધી બ્રિજની ક્ષમતાની ચકાસણી ન થાય અને લોડટેસ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી આ બ્રિજ ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
જેમાં વડોદરાથી રાજપીપળા જતા ભારદારી વાહનોએ અવરજવર કરવા માટે વડોદરા-ડભોઇ-તિલકવાડા-દેવલીયા ચોકડી-ગરુડેશ્વર-રાજપીપળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. સેગવા ચોકડીથી રાજપીપળા જતા ભારે વાહનોએ અવરજવર કરવા સેગવા-ડભોઇ-તિલકવાડા-દેવલિયા ચોકડી-ગરુડેશ્વર-રાજપીપળા રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે. વડોદરા જિલ્લામાં સિનોર અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાને જોડતો પોઇચા બ્રિજ કે જે રંગ સેતુ બ્રિજ તરીકે પણ ઓળખાય છે. જેનું લોકાર્પણ વર્ષ 2005માં કરવામાં આવ્યું હતું. અગાઉ આ બ્રિજ વર્ષ 2015-16 માં ક્ષતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. બાદમાં બ્રિજનું સમારકામ 10 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું, રીપેરીંગ કામ છ મહિના ચાલ્યું હતું. બ્રિજનું નિર્માણ કરનાર કંપની ગેમન ઇન્ડિયા અને સરકારના જે તે સમયના અધિકારીઓ સામે પણ આક્ષેપો ઉઠ્યા હતા. વર્ષ 2021 માં ભૂકંપની અસરથી પૂલને નુકસાન થતાં ફરી ભારદારી વાહનો માટે બંધ કરી 1.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અત્યારે પણ બ્રિજની હાલત ખખડધજ છે. માત્ર 20 વર્ષમાં જ બ્રિજ જર્જરીત બની ગયો છે. આ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર વધુ હોવાથી સરકારે 252 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી છે, અને આવતા માર્ચ મહિના સુધીમાં કામ શરૂ થઈ તેવી સંભાવના છે.