વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ફૂડ સેફ્ટી ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ
ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ તેલની ગુણવત્તા ચકાસી
18 સ્ટેશનો વચ્ચે ફૂડ સેફ્ટીની કામગીરી માટે માત્ર બે વ્યક્તિ
વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા સ્ટોલ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવવા સાથે તેલની ગુણવત્તા પણ ચકાસવામાં આવી હતી.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિર્દેશ અનુસાર વડોદરા રેલ્વે મેડિકલ ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા વડોદરા મંડળના તમામ રેલ્વે સ્ટેશન ખાતે સમયાંતરે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવે છે. વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા સ્ટોલ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર શૈલેન્દ્ર પારીખના જણાવ્યા મુજબ, સ્ટોલ ખાતે તેલમાં તળીને બનાવેલ ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય ટીપીસી મીટર (ટોટલ પોલર કમ્પાઉન્ડસ્ ) વડે તેલની શુદ્ધતા ચકાસવામાં આવી હતી. ઉપયોગમાં લીધેલ તેલની માત્રા 25 ટીપીસીથી વધુ હોય તો તેલનો નાશ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. અને 20.5 ટીપીસીની માત્રા હોય તો થોડા સમય બાદ તેલ બદલવા સૂચના આપવામાં આવે છે. એક મહિનામાં ખાદ્ય પદાર્થોના 20 જેટલા સેમ્પલ મેળવી ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. પાછલા 10 દિવસમાં 10 ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવ્યા છે. મહત્વનું છે કે, વડોદરા મંડળના ડાકોર , આણંદ ,નડિયાદ, પ્રતાપ નગર,ડેરોલ, ભરૂચ , અંકલેશ્વર, કોસંબા સહિત 18 રેલ્વે સ્ટેશન વચ્ચે માત્ર એક ઓફિસર અને આસિસ્ટન્ટ મળી બે વ્યક્તિની ટીમ આ કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળે છે.