Get The App

રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન 1 - image


ગાંધીનગર  :  ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર આજે સવારના સમયે માતેલા સાંઢની જેમ કાર દોડાવીને નશેડી નબીરા એક પછી એ કેમ ચાર વાહનોને હડફેટે લઈને પાંચ વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. જેમાં મહિલા સહિત બે વ્યક્તિઓના સ્થળ ઉપર જ મોત થયા હતા. જ્યારે ગંભીર ઘાયલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોએ નબીરાને પકડીને મેથીપાક ચખાડી પોલીસના હવાલો કર્યો હતો.

ગાંધીનગરના પહોળા રાજમાર્ગો ઉપર વધતી જતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે ન્યુ ગાંધીનગરમાં નબીરાએ સર્જેલા વધુ એક ટેન્ડર રનની ઘટનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. ગાંધીનગર પાસે રાયસણથી રાંદેસણ ગામ તરફ જવાના સવસ રોડ ઉપર નશેડી કાર ચાલકે પોતાની સફારી કાર માતેલા સાંઢની જેમ દોડાવીને એક પછી એ કેમ ચાર જેટલા વાહનોને અડફેટ લઈ નિર્દોષ માનવ જિંદગીઓ લઈ લીધી હતી. મૂળ પોર ગામનો વતની અને ગાંધીનગરના સેક્ટર ૫ બી પ્લોટ નંબર ૬૫૪ /૧ માં રહેતા વિનુભાઈ પટેલનો નબીરો હિતેશ પટેલ આજે સવારે રાયસણ ખાતે તેના ફ્લેટમાંથી તેની સફારી કાર નંબર જીજે -૧૮-ઈ-ઈ-૭૮૮૭ લઈને નીકળ્યો હતો અને રાયસણ પેટ્રોલ પંપ પાસે મયુરભાઈ જોશીના બાઈકને અકસ્માત કર્યા બાદ તેણે કાર રોકેટ ગતિએ દોડાવી દીધી હતી અને એક કિલોમીટર સુધી એક પછી એક એમ ત્રણ મોપેડને હડફેટે લીધા હતા. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. આ સવસ રોડ ઉપર આવેલી સુકન હાઈટ્સ વસાહતમાં રહેતા નીતિનભાઈ પ્રતાપભાઈ વસા નામના ચાલતા જઈ રહેલા વૃદ્ધને હડફેટે લીધા બાદ તેણે મોપેડ ઉપર જઈ રહેલા વેદિકા ઈ સિરીઝમાં રહેતા હંસાબેન રોહિતકુમાર વાઘેલાના મોપેડને હડફેટે લીધું હતું અને હંસાબેન ઉછડીને આ નબીરાની કાર ઉપર પટકાયા હતા તેમ છતાં નબીરાએ કાર દોડાવી હતી અને રોડ સાઈડમાં ગટર સાથે કાર અથડાવી દેતા તે ઊભી રહી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનાને પગલે ત્યાં હાજર સ્થાનિકો રીતસરના ડરી ગયા હતા. જોકે એકઠા થયેલા લોકોએ કારમાંથી વિશાલ પટેલને નીચે ઉતારી બરાબરનો મેથીપાક ચખાડયો હતો અને પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતની ગંભીર ઘટનામાં હંસાબેન અને નીતિનભાઈ વસાનું સ્થળ ઉપર જ મોત થયું હતું જ્યારે મોપેડ સવાર વૃદ્ધ બીપીનભાઈ ઓઝા અને તેમની પત્ની કામિનીબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઘટના સ્થળ ઉપર આવી પહોંચેલી પોલીસે નબીરાનો કબજો મેળવ્યો ત્યારે પણ રોષે ભરાયેલા લોકોએ પોલીસની હાજરીમાં તેને ઠમઠર્યો હતો. જેની સામે સહ અપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આજે બનેલી આ ઘટનાએ લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી કરાવી દીધી હતી.

Tags :