Get The App

રાંદેસણ હિટ એન્ડ રન કેસનો આરોપી હિતેશ પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
રાંદેસણ હિટ એન્ડ રન કેસનો આરોપી હિતેશ પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર 1 - image


માતેલા સાંઢની જેમ કાળમૂખી કાર ચલાવી પાંચને કચડનાર

ગુનાહિત ઇતિહાસ, કારની સ્પિડ, નશાખોરી બાબતે પુછપરછ કરાશેઃપોલીસ હિતેશને સાથે રાખી ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરશે

ગાંધીનગર : રાંદેસણના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે કાર હંકારીને હિતેશ પટેલે પાંચ વ્યક્તિઓને કચડી નાંખ્યા હતા આ ચકચારી અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત પણ નિપજ્યા છે ત્યારે આવા નબીરા દ્વારા રોડ ઉપર નિર્દોષ નાગરિકોને કોઇ પણ વાંક વગર કચડી નાંખવાના વધતા બનાવોને પગલે પોલીસે આરોપી હિતેષના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આગામી ૩૦મી સુધી એટલે કે, પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે આ પાંચ દિવસ દરમ્યાન પોલીસ હિતેષના ગુનાહિત ઇતિહાસ અને કારની સ્પિડ સહિત નશાખોરી બાબતે પણ પુછતાછ કરશે તો હિતેષને સાથે રાખીને આ સમગ્ર ઘટનાનું રિ-કંસ્ટ્રક્શન પણ કરવામાં આવશે.

ગાંધીનગરના રાંદેસણ ખાતે ગઇકાલે કાળમૂખી કારે પાંચ વ્યક્તિઓને અડફેટે લીધા હતા જે દરમ્યાન બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યું હતું ત્યારે આ કાર માતેલા સાંઢની જેમ ચલાવનાર રફ્તારના રાક્ષસ સમા હિતેષ પટેલને પોલીસે પકડી પાડયો હતો ત્યારે સ્થાનિકોના રોષનો ભોગ પણ આ આરોપી હિતેષ પટેલ બન્યો હતો. પોલીસે તાત્કાલિક તેની ઘરપકડ કરીને જરૃરી મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. એટલુ જ નહીં, વધતા જતા હીટ એન્ડ રનના કેસને ધ્યાનમાં રાખી અને સર્વિસ રોડ ઉપર દિવસના સમયે બનેલા આ અકસ્માતની ગંભીરતા-સંવેદનશીલતાને ધ્યાને રાખીને પોલીસે સાત દિવસના રિમાન્ડની આજે કોર્ટ સમક્ષ માંગણી કરી હતી.

કોર્ટે આગામી ૩૦મી સુધી એટલે કે, પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જે દરમ્યાન પોલીસ દ્વારા અકસ્માત બનવાના મુખ્ય કારણોના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. હિતેષ પટેલના ગુનાહિત ઇતિહાસ અંગે પણ પુછતાછ કરશે સાથે સાથે કારની સ્પિડ, મરણ જનાર સાથે કોઇ દ્વેશભાવ તથા નશાખોરીના એંગલ પર પણ પોલીસ તપાસ કરશે. આ ઉપરાંત આ ચકચારી અકસ્માતનું પોલીસ રિ-કંસ્ટ્રક્શન પણ કરશે. હિતેષ ઘરેથી નિકળને ક્યાં ગયો અને અહીં ક્યારે-કેટલી સ્પિડ પર આવ્યો તો અંગે મિનિટ-મિનિટની જાણકારી મેળવશે તથા હિતેષને સાથે રાખીને તેના ઘરની પણ ફરીથી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.

હિતેશ પટેલના સેક્ટર-૫ તથા રાયસણના ઘરે પોલીસનું સર્ચ

રાંદેસણના સર્વિસ રોડ ઉપર માતેલા સાંઢની માફક કાળમૂખી કારે પાંચ વ્યક્તિઓને કચડયા હતા જેમાંથી બે વ્યક્તિના કરૃણ મોત નિપજ્યા છે ત્યારે આ અકસ્માત નજરે જોનારા અને સ્થાનિકોમાં હિતેષ કાંડથી અરેરાટી ફેલાઇ ગઇ છે. પોલીસે પણ બાબતને ગંભીરતાથી લીધી છે. સ્થાનિકોના આક્ષેપો પ્રમાણે હિતેશ નશેડી તથા દારૃનો નશો કરતો હોવાનું સામે આવ્યું છે જે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હિતેશ હાલ રાયસણમાં તેની મહિલા મિત્ર સાથે રહે છે તેના ઘરની તપાસ કરવાની સાથે સે-૫માં હિતેશનો પરિવાર જ્યાં રહે છે ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવશે તો હિતેશ ઉપર અન્ય કલમો હેઠળ પણ ગુનો લાગાવવામાં આવશે. 

Tags :