રામપર-વેકરાના તપોવનધામ ખાતે 108 લોકોએ એકસાથે કર્યું પંચગવ્યયુક્ત સામૂહિક ગોબર સ્નાન
Kutch News: રસ્તે રખડતો છોડી દેવાયેલ ગોવંશ જ્યારે એઠવાડ કે પ્લાસ્ટિકની થેલીઓમાં ફેંકી દેવાયેલ ખાધ પદાર્થ ખાય અને શેરીઓમાં ગમે ત્યાં પોદળા કરે તે સ્વભાવિક રીતે જ દુર્ગંધ કરે અને એટલે જ સામાન્ય રીતે ગોબરનું નામ સાંભળતાં જ લોકોને સુગ ચડે. પરંતુ વગડામાં ચરતી અને ઘાસચારા તથા દાણખાણ સાથે ગૌશાળામાં જેનું સારી રીતે પાલનપોષણ થાય એ ગાયનાં તાજાં ગોબરમાં દુર્ગંધ નહીં પણ સાત્વિક સુગંધ આવે છે. તેમાં પ્રમાણસર તાજું દુધ, દહીં, ઘી, ગૌમુત્ર સહિતના પંચગવ્ય અને ચંદન પાવડર સહિતની વસ્તુઓનું મિશ્રણ કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથેનો મહિમા સમજીને તેનું પદ્ધતિસર સ્નાન કરવામાં આવે ત્યારે સુગ તો દુર થાય જ છે. સાથે તેના ખુબ મોટા શારીરિક લાભ સાથે મનને પણ શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ-પશ્ચિમ કચ્છ અને રામપર વેકરા સ્થિત તપોવનધામના સંયુક્ત આયોજનથી આવો જ અનોખો પ્રયોગ થયો હતો. શાસ્ત્રોના શ્લોક અને તેના લાભની વાતો સાથે 8 વર્ષના બાળકથી લઈને 50 વર્ષની વય અને વિદ્યાર્થિ, વિજ્ઞાની, વેપારી, સરપંચ, શિક્ષક, શ્રમિક, ખેડૂત, ગોપાલક સાથે સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિતના 10 સંતો અને 98 અન્ય લોકોની કુલ 108 જેટલી મોટી સંખ્યાએ જ્યારે શરીરમાં એકાદ કલાક સુધી આ મિશ્રણને બરોબર રગડ્યા પછી સાદાં પાણીથી સ્નાન કરીને પોતાના અનુભવ વર્ણવ્યા હતા. જાણવા મળ્યા મુજબ આવા પ્રયોગોથી વર્તમાન યુવા અને નવી પેઢીનું ગાય સાથેનું જોડાણ વધે છે અને શાસ્ત્ર તથા વિજ્ઞાન પ્રમાણિત ગોબરના લાભ જાણીને સુગ પણ દુર થાય છે.
બે મહિના પહેલાં માત્ર 29 લોકો સાથે અંજારના રાયમલ ધામ ખાતે થયેલા આ પ્રયોગની સફળતાથી પ્રેરાઈને તપોવનધામ ખાતે આ વધુ સફળ આયોજન થયું અને લાભ લેનાર સૌએ દર મહિને આવું આયોજન કરવાનો આગ્રહ કર્યો હતો. એટલે આગામી 7 સપ્ટેમ્બર રવિવારનો દિવસ નિશ્ચિત પણ થઈ ગયો છે.
સેન્ટ અને પરફ્યુમની કુત્રિમ અને નુકસાનકારક સુગંધના આ યુગમાં ગોબર સ્નાનનું બીડું બાળકો અને યુવાનોએ ઝડપ્યું છે. દેવચરણ સ્વામીએ તેને સાહસિક અને પ્રેરણારૂપ પગલું ગણાવ્યું હતું અને સૌને અભિનંદન આપ્યા હતા. આ સાથે આગામી સમયમાં ડોક્ટર અને વૈદ્યો તથા બહેનો માટે પણ આવું વિશેષ આયોજન કરવાની વિચારણા છે એવું ગૌ સેવા ગતિવિધિ પશ્ચિમ કચ્છના સંયોજક નવીન ભુડીયાએ જણાવ્યું હતું.