કોટાથી છ આરોપીઓને ઝડપી લીધા ૨૬ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત
વસ્ત્રાલમાં બિલ્ડરના અપહરણ અને ખંડણી વસુલવાનો મામલો
ઝડપાયેલા આરોપીઓમાં બિલ્ડરના ભાણેજનો પણ સમાવેશઃ તેણે મુખ્ય આરોપીને અપહરણ કરીે ખંડણી વસુલવા ટીપ આપી હોવાનો ખુલાસો
અમદાવાદ, ગુરૂવાર
શહેરના વસ્ત્રાલમાં બિલ્ડરનું અપહરણ કરીને તેને તેની પાસેથી ૨૬ લાખની રોકડ અને ૨૫ લાખ ઉપરાંતના દાગીનાની લૂંટ કરવાના કેસમાં રામોલ પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે રાજસ્થાન કોટાથી છ આરોપીઓેને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કેસમા ભોગ બનનાર બિલ્ડરનો ભાણેજ આ કેસનો માસ્ટર માઇન્ડ હતો. તેણે જ મુખ્ય આરોપીને તેના મામાનું અપહરણ કરીને નાણાં પડાવવાની ટીપ આપી હતી. ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના વટવા વિઝોંલમાં આવેલી ધનપાલેશ્વર સોસાયટીમાં રહેતા અજયસિહ રાજપુત ગત ૯મી સપ્ટેમ્બરે વસ્ત્રાલમાંથી પસાર થતા હતા. ત્યારે એક ઇનોવા કારમાં આવેલા પાંચ લોકોએ તેમને નીચે પાડીને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા. આ કારમાં સંગ્રામસિંહ સિકરવાર અને શિવમ નામના વ્યક્તિને અજયસિંહ ઓળખતો હતો. તેમણે અજયસિંહને કહ્યું હતું કે તુજે જીંદા રહેના હે તો એક કરોડ રૂપિયા દેના પડેગા. બાદમાં અજયસિંહને તેની પત્નીને ફોન કરીને ઘરે રહેલી રોકડ અને તમામ દાગીના મંગાવવાનું કહ્યું હતું. જેથી અજયસિંહે ઘરેથી ૨૬ લાખ રોકડ, ૨૫ લાખના દાગીના નાના ચિલોડા સર્કલ પાસે મંગાવ્યા હતા અને દાગીના લીધા બાદ તેમને નર્મદા કેનાલ પાસે ઉતારીને પાંચેય જણા ફરાર થઇ ગયા હતા. આ અંગે રામોલ પોલીસને જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર વી ડી મોરી અને તેમના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ઇનોવા કારને ભાડે લીધી હતી અને કારનું લોકેશન રાજસ્થાન કોટાનું હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી આ અંગે ડીસીપી ઝોન-૫ જીતેન્દ્ર અગ્રવાલે કોટા પોલીસની મદદ લઇને રામોલ પોલીસની એક ટીમને પણ કોટા મોકલી હતી. જ્યાં સંગ્રામસિંહ સિકરવાર (રહે. સાકાર ટેનામેન્ટ, વસ્ત્રાલ), શિવમસિંહ તોમર (રહે. જલપરી સોસાયટી, વસ્ત્રાલ), અમન ભદોરિયા (રહે. વિરાટનગર, બાપુનગર), સુરજ ચૌહાણ (રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ), અફરોઝખાન શાહીદખાન (રહે. મથુરા, ઉત્તરપ્રદેશ) તેમજ ઋષી સેંગરને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ખંડણીનો તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઋષી સેંગર બિલ્ડર અજયસિંહનો ભાણેજ થાય છે. ઋષી જાણતો હતો કે તેના મામા જમીન લે-વેંચનું અને બિલ્ડર તરીકે કામ કરતા હોવાથી તેમની પાસે લાખોની રોકડ હોય છે. જેથી તેણે સંગ્રામસિંહને જાણ કરી હતી અને તેણે અપહરણ કરીને ખંડણી વસુલવાનું કાવતરૂ ઘડયું હતું. આ તેણે ઉત્તરપ્રદેશથી સુરજ ચૌૈહાણ અને અફરોઝખાનને બોલાવ્યા હતા અને અપહરણ કરવા માટે કાર ભાડે લીધી હતી.