કોંગ્રેસમાં વિખવાદ વચ્ચે ઉમેદવાર જાહેર, નારાજ જીગ્નેશ મેવાણીની પહેલી પસંદ રહેનારા રમેશ ચાવડાને કડી બેઠક પર આપી ટિકિટ
Kadi Constituency By Election: કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજનાર પેટાચૂંટણી માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) દ્વારા આજે(1 જૂન) કડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ ચાવડાને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. રમેશ ચાવડા વર્ષ 2012 થી 2017 સુધી કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમણે જાહેર લીડર હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની પણ પ્રથમ પસંદ રહેનાર રમેશ ચાવડાને કોંગ્રેસ દ્વારા કડી બેઠક માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. રમેશ ચાવડા હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે (1 જૂન) જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત વિધાનસભાની આગામી પેટાચૂંટણી માટે 24-કડી-અનુચિત જાતિ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાની ઉમેદવારીને મંજૂરી આપી છે.
રમેશ ચાવડા મૂળ કડીના રહેવાસી અને કડી નગરપાલિકાથી પોતાનું સક્રિય રાજકારણ કરનાર નેતા રહ્યા છે અને ભાજપની લહેરમાં પણ નીતિન પટેલ જેવા ભાજપના પીઢ નેતાને પડકાર આપનાર અને હાર આપનાર નેતા સાબિત થયા છે.
રાજ્યમાં યોજનારી પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદર બેઠક માટે ચૂંટણી યોજનારી છે તે દરમિયાન જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી દ્વારા ફૂટેલી કારતુશો એટલે કે કોંગ્રેસ પક્ષને નુકસાન કરનારા તત્ત્વોને દૂર કરવા માટેની માગણી સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા હવે કડી બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પસંદગીના ઉમેદવાર રમેશ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે.
કડી બેઠક પર શું છે સમીકરણ?
આંકડા અનુસાર, કડી બેઠક પર હવે કુલ 2,89,746 મતદારો છે, જેમાં 1,49,719 પુરૂષ, 1,40,023 મહિલાઓ અને ચાર થર્ડ જેન્ડર સામેલ છે. મહેસાણામાં અનુસૂચિત જાતિ માટે અનામત કડી બેઠક પર 376 મતદારોનો વધારો જોવા મળ્યો, જેમાં 152 પુરૂષ અને 224 મહિલાઓ છે.
કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ બેઠક?
ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.
કડી અને વિસાવદરમાં કઈ તારીખે યોજાશે પેટા ચૂંટણી?
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.