Bhuj News | કચ્છ સહિત ગુજરાતની આરોગ્ય વિભાગના પંચાયતોના દવાખાના લેબોરેટરી ટેકનિશિયનોના પગારગ્રેડ 1992થી સુધારવામાં ભૂલ રહી ગઈ હોવાનું સરકાર સ્વીકારતી હોવા છતાં સુધારો કરી વધારો ન આપતાં વર્ષોથી કરાતી માંગ છતાં નિકાલ ન આવતાં તા. 4થી માર્ચથી ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન (પેથોલોજી) મહામંડળ દ્વારા ગાંધીનગરના સેક્ટર-28 ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા શરૂ કર્યા છે. ખજાનચી નિલેશ કાછડિયા ઉપવાસ અનશન પર ઉતર્યા છે તેના સમર્થનરૂપે તા. 11મીએ માસ સીએલ મુકી કચ્છના 51 સહિત રાજ્યના 2500 લેબ ટેક દ્વારા રેલી યોજાશે.
ગાંધીનગરથી મહામંડળના પ્રમુખ જયેશ સોલંકી અને પૂર્વ પ્રમુખ જયેશ શેઠે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 1987 સુધી ગુજરાતમાં પંચાયત (આરોગ્ય)ના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના તેમજ તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ત્રણેય વિભાગના લેબોરેટરી ટેકનિશિયન કાયમીની શૈક્ષણિક લાયકાત, કામગીરી, પોસ્ટનું નામ અને પગાર સરખા હતા.
1992ની 25મી જુને નાણા વિભાગે પગાર ગ્રેડમાં વધારો કરતાં ઠરાવ કર્યો જેનો લાભ તબીબી સેવાનું ટેબલ સંભાળતા ઈ-સેવાને મળ્યો. અન્ય બે કેડરના લેબોરેટરી ટેકનિશિયનને ન મળ્યો જેનો ખ્યાલ 1996માં પગાર પંચ આવ્યું ત્યારે પગારમાં ઘણો ફેર પડતાં ખ્યાલ આવ્યો ત્યારથી રજૂઆતો કરાતી આવી છે.
બીજી માંગ વિશે જણાવ્યું કે, કોરોનાકાળમાં 130 દિવસ રજા લીધા વિના દર્દીઓના નાક અને ગળામાંથી સેમ્પલ લેવાની જીવલેણ નીવડે તેવી જોખમી કામગીરી કરી હતી. તે દિવસોનો પગાર ન ચૂકવાતાં ન છૂટકે હાઈકોર્ટમાં જવું પડયું છે. સરકાર તે પગાર ચૂકવે તો કેસ પાછો ખેંચવાની તૈયારી આ અગ્રણીઓએ વ્યક્ત કરી હતી.
દરેક જિલ્લામાં લેબોરેટરીની કામગીરી ન ખોરવાય તે માટે દરરોજ પાંચ પાંચ ટેકનિશિયન ગાંધીનગર ખાતે ધરણામાં જોડાય છે. તા. ૧૧ના રાજ્યના તમામ લેબ ટેકનિશિયન રેલી અને ધરણા યોજશે છતાં સરકાર સમાધાન કરવા તૈયાર નહીં થાય તો આગળના આંદોલનની વિચારણા કરાશે. તેવું મહામંડળના અગ્રણીઓએ જણાવ્યું હતું.


