નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા
વૃદ્ધાશ્રમને ટોકન રેટમાં જમીન અપાવવાનું કહીને ગઠિયાએ છેતરપિંડી આચરી
ટ્રસ્ટને ૯૯ વર્ષના ભાડાપટ્ટે પ્રહલાદનગરમાં જમીન આપવાનું કહીને ગાંધીનગર લઇ જઇને નાણાં પડાવ્યા હતા
અમદાવાદ,શુક્રવાર
નારણપુરામાં વૃદ્ધાશ્રમ ચલાવતા એક વ્યક્તિને બોપલમાં ટોકન રેટ પર જમીન અપાવવાનું કહીને છેતરપિંડી આચરનાર સુખદેવ પુરોહિતે રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પ્રહલાદનગરમાં એક રૂપિયાના ટોકનથી ૯૯ વર્ષના ભાડાપટ્ટે જમીન અપાવવાનું કહીને ગાંધીનગર લઇ જઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે રખિયાલ પોલીસે આરોપી સુખદેવ પુરોહિતની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
નારણપુરામાં રહેતા અને વૃદ્ધાશ્રમમાં રહેતા વ્યક્તિને પોતાની ઓળખ ઉચ્ચ અધિકારી તરીકે અને ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાએ ઓળખ હોવાનું કહીને ટ્રસ્ટને એસ પી રીંગ રોડ પાસે જમીન અપાવવાનું કહીને ગાંધીનગર લઇ જઇને વિવિધ પ્રોસેસના નામે બે લાખ રૂપિયા લઇને એક ગઠિયાએ છેતરપિંડી આચરી હતી. ડીસીપી ઝોન-૧ સ્ક્વોડ દ્વારા સુખદેવ પુરોહિતને રાજસ્થાનના જાલોરથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુખદેવ પુરોહિત પોતાનું અસલી નામ બદલીને છેતરપિંડી આચરતો હતો.
સુખદેવ પુરોહિતે અમદાવાદ, ગાંધીનગર અને સહિત અન્ય શહેરોમાં છેતરપિંડી આચરી હતી. જેમાં રખિયાલમાં આવેલા ચકુડિયા મહાદેવના પુજારી અને ટ્રસ્ટીઓને પણ તેણે આબાદ છેતર્યા હતા. તેણે છેતરપિંડી આચરવા માટે નિયમિત રીતે દર્શન કરવા આવવાનું શરૂ કર્યું હતુ અને ટ્રસ્ટી જયશંકર રાવલને મળીને પોતાની ઓળખ કલેકટરના પીએ તરીકે આપી હતી અને ગાંધીનગરમાં તેને રાજકીય સંબધ હોવાનું કહીને પ્રહલાદનગરમાં સદાવ્રત માટે જમીન અપાવવાની ખાતરી આપી હતી. બાદમાં તેમને પ્રહલાદનગરમાં જમીન બતાવી હતી અને ૯૯ વર્ષ માટે એક રૂપિયાના ટોકન પર જમીન અપાવવાની પ્રોસેસ માટે બે લાખની ફી માંગી હતી. ત્યારબાદ તે ગાંધીનગર સચિવાલય અને કલેક્ટર કચેરી લઇ ગયા હતા. જ્યાંથી તે ૧.૭૦ લાખની રોકડ લઇને નાસી ગયો હતો. જયશંકર રાવલની ફરિયાદને આધારે રખિયાલ પોલીસે ગુનો નોંધીને સુખદેવ પુરોહિતની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.