૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા
શીવરંજની ચાર રસ્તા પાસે ગઠિયાઓએ ઓફિસ ખોલી હતી
તમીલનાડુના વેપારી સાથે આબાદ છેતરપિંડી કરવામાં આવી અન્ય લોકોના પણ લાખો રૂપિયા પડાવી લીધાનું બહાર આવ્યું

અમદાવાદ,ગુરૂવાર
શીવરંજની ચાર રસ્તા પાસે આવેલા શ્રીધર એથેન્સ નામના કોમ્પ્લેક્સમાં ઓફિસ શરૂ કરીને ત્રણ ગઠિયાઓએ તમીલનાડુના વેપારીને તેના વિન્ડ પ્રોજેક્ટના નામે ૩૦ કરોડ રૂપિયાની લોન અપાવવાનું કહીને ત્રણ શખ્સોએ એક ટકા સ્ટેમ્પ ડયુટી ભરવાનું કહીને ૩૦ લાખની રકમ પડાવી લીધાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
તમીલનાડુના નમક્કલ જિલ્લામાં રહેતા ગણેશ દેવરાજ વિંડ એનર્જીને લગતો વ્યવસાય કરે છે. ગત જુલાઇ મહિનામાં તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ રવિ પરમાર તરીકે આપીને જણાવ્યું હતું કે તેમની કંપની મોટા પ્રોજેક્ટ માટે લોન આપવાનું કામ કરે છે અને અમદાવાદ શીવરંજની ચાર રસ્તા પાસે શ્રીધર એથેન્સમાં તેમની ઓફિસ આવેલી છે. જેથી ગણેશદેવરાજ થોડા દિવસ બાદ અમદાવાદ આવ્યા હતા અને નિતાંત શર્મા, રવિ પરમાર અને અનિલ અગ્રવાલને મળ્યા હતા. તેમણે ગણેશ દેવરાજ પાસેથી તેમની કંપનીની ડોક્યુમેન્ટ લઇને તમીલનાડુ ખાતે કંપનીની વિઝીટ કરવાનું કહેવામાં આવ્યું હતુ. જે મુજબ નિતાંત તમીલનાડુ પણ ગયો હતો. જ્યાં વેલ્યુએશન રિપોર્ટ કરીને જણાવ્યું હતુ તેમને ૩૦ કરોડની લોન આપશે.
ગણેશ દેવરાજે લોન લેવા માટે હા કહેતા તેમને બીજા મહિને અમદાવાદ આવવા માટે કહ્યું હતુ અને લોનની રકમના એક ટકા લેખે સ્ટેમ્પ ડયુટી ભરવા માટે કહેતા તેમણે નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ તેમને હોટલ પર આરામ કરવા માટે મોકલીને બે કલાકમાં લોન પ્રોસેસ પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું. બે કલાક બાદ સાંજે તે ઓફિસ પર ગયા ત્યારે જોયુ તો ઓફિસમાં લોક હતું અને તમામના મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય જણા અન્ય વેપારીઓને પણ લોન અપાવવાનું કહીને કરોડો રૂપિયા લઇને છેતરપિંડી આચરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

