Get The App

રાજસીતાપુર પીજીવીસીએલ પેટા કચેરીનો સામાન કર્મચારીએ જ વેચી નાખ્યો

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
રાજસીતાપુર પીજીવીસીએલ પેટા કચેરીનો  સામાન કર્મચારીએ જ વેચી નાખ્યો 1 - image


પીજીવીસીએલના અધિકારીએ ફરિયાદ નોંધવા અરજી કરી

કર્મચારી દ્વારા ભંગારના ડેલામાં વીજી કચેરીનો માલ સામાન વેચતો હોવાના સીસીટીવી સામે આવ્યા  ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર પેટા પીજીવીસીએલ કચેરીનો સામાન ડ્રાઇવર ભંગારમાં વેચી નાખતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. બનાવ અંગે વીજ તંત્રના અધિકારીએ ગેરરીતિ આચરનાર કર્મચારી સામે ફરિયાદ નોંધવા લેખિત અરજી કરી છે.

ધ્રાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરી રાજસીતાપુરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ પોપટભાઈ દેત્રોજા દ્વારા રાજસીતાપુર પીજીવીસીએલ ડિવિઝન કચેરીમાંથી ઈલેક્ટ્રિક ચીજ વસ્તુઓનો ભંગાર ગેરકાયદે રીતે બારોબાર વહેંચી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પીજીવીસીએલ ડિવિઝન કચેરીના અધિકારીને જાણ થતા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ભંગારના ડેલામાં પીજીવીસીએલનો કર્મચારી સુરેશભાઈ બારોબાર  કચેરીનો વાયર સહિતનો માલ સામાન ભંગાર વેચવા આવ્યા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતાં. આ મામલે ધ્રાંગધ્રાના રાજસીતાપુર ડિવિઝન કચેરીના અધિકારીએ ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરતા ફુટેજને આધારે તાલુકા પોલીસ મથક ખાતે પીજીવીસીએલની ચીજ વસ્તુઓ ભંગારના ભાવે ગેરકાયદે રીતે વેચનાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધવા લેખિત અરજી કરી છે. પીજીવીસીએલનો કર્મચારી કેટલા સમય થી કચેરીનો માલ સામાન ભંગારના ભાવે વેચતો હતો ? અત્યાર સુધીમાં કેટલી કિંમતનો કચેરીનો માલ સામાન વેચી નાખ્યો સહિતની બાબતો અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ સમગ્ર મામલે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

Tags :