Get The App

રાજકુમાર જાટના મોતનો મામલો લોકસભામાં પણ ઉઠયો : CBI પાસેથી તપાસની માંગ

Updated: Mar 19th, 2025

GS TEAM

Google News
Google News
રાજકુમાર જાટના મોતનો મામલો લોકસભામાં પણ ઉઠયો : CBI પાસેથી તપાસની માંગ 1 - image


રાજસ્થાનના બાડમેરના કોંગ્રેસના સાંસદે મુદ્દો ઉઠાવ્યો : પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ ટ્વિટમાં  CBI પાસેથી તપાસ કરાવવાની માંગણી કરી

રાજકોટ, : ગોંડલમાં રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો રાજકુમાર જાટ નામનો મૂળ રાજસ્થાનનો યુવાન ઘરેથી લાપત્તા થયા બાદ રાજકોટ નજીકથી તેની લાશ મળી હતી. તપાસના અંતે પોલીસે ખાનગી બસે હડફેટે લેતાં મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. સાથો-સાથ પોલીસે ખાનગી બસના ચાલકની પણ ધરપકડ કરી હતી. આમ છતાં આ પ્રકરણ શાંત પડયું  નથી. ખાસ કરીને રાજસ્થાનમાં આ પ્રકરણ ગરમાયું છે. એટલું જ નહીં, આજે આ મુદ્દો લોકસભામાં પણ ઉઠયો હતો. લોકસભામાં બાડમેરના કોંગ્રેસના સાંસદ ઉમેદારામ બેનીવાલે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. 

લોકસભામાં સાંસદ ઉમેદારામ બેનીવાલે કહ્યું કે આજે હું ગંભીર અને સંવેદનશીલ મુદ્દો ઉઠાવવા માંગું છું. રાજકોટ નજીક રહેતાં રાજકુમાર જાટની શંકાસ્પદ  અને નૃશંસ હત્યાનો મામલો ધ્યાન પર લાવવા માંગું છું. જે રાજસ્થાનના ભીલવાડા જીલ્લાનો રહેવાસી હતો. પાઉંભાજીનો ધંધો કરતા પિતા રતનલાલ જાટ સાથે રહેતો હતો અને યુપીએસસીની તૈયારી કરતો હતો.  

અત્યંત દુર્ભાગ્યપૂર્ણ રીતે તેની હત્યા કાવત્રાના ભાગરૂપે કરવામાં આવી હતી. જેનાથી તેનો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ શોકમગ્ન છે. 

ગઈ તા. 2 માર્ચના રોજ રાજકુમાર તેના પિતા સાથે મંદિરે જઈ રહ્યો હતો ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે કેટલાક શખ્સોએ તેને બળજબરીથી રોકી તેને બંગલાની અંદર બળજબરીથી લઈ જઈ મારપીટ કરી હતી. તા.૩ માર્ચના રોજ રાજકુમાર લાપત્તા થઈ ગયો હતો. તેના પિતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી પરંતુ કોઈ સહાયતા મળી ન હતી. તા.૪ માર્ચના રોજ રાજકુમારનો મૃતદેહ ગોંડલથી પપ કિ.મી. દૂર રોડ પરથી મળી આવ્યો હતો. પોલીસે તેને હિટ એન્ડ રનનો કેસ બતાવી મૃતદેહને રાજકોટની સિવિલમાં મોકલી આપ્યો હતો. 

પરંતુ ગુમ થયાની નોંધ છતાં પોલીસે આ અંગે તેના પિતાને કોઈ જાણ કરી ન હતી. આ કેસ અતિ સંવેદનશીલ છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ગૃહ રાજયની આ ઘટના છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારને કહી આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગણી કરી હતી. 

બીજી તરફ જમ્મુ એન્ડ કાશ્મીર, બિહાર, ગોવા અને મેઘાલયના રાજ્યપાલ રહી ચુકેલા  સત્યપાલ મલિકે પણ ટ્વિટ કરી આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવા માંગણી કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે આ પ્રકરણ ખુબજ ગંભીર છે. મળેલી માહિતી મુજબ આ પ્રકરણમાં કેટલાક પ્રભાવશાળી  લોકોની ભૂમિકા સામે આવી રહી છે. આ સ્થિતિમાં સીબીઆઈ પાસે તપાસ કરાવી જવાબદારો સામે તત્કાળ કાર્યવાહીની તેમણે માંગ કરી હતી. 

મૃતક રાજકુમારના વકીલ જયંત મુંડે જણાવ્યું કે રાજસ્થાનના ચાર સાંસદો અને 13 જેટલા ધારાસભ્યોએ પણ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ કલેકટરને સીબીઆઈની તપાસ માટે આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા હતા. 

Tags :