રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283
દર 1 લાખ વાહને ટ્રાફિક કન્ટ્રોલ કરનારા ફક્ત 20 : અધધધ... 400થી વધુ જગ્યાઓ ખાલીઃ વાહન ચાલકો પાસેથી કરોડોનો દંડ ઉઘરાવતી સરકાર ટ્રાફિક નિયમનમાં આડે પાટે
રાજકોટ, : શહેરમાં હાલ અંદાજે વીસેક લાખની જનસંખ્યા સામે 15 લાખ જેટલા વાહનો છે, જેની સામે ટ્રાફિક પોલીસની સંખ્યા માત્ર 283 જ છે. શહેરમાં જેમ 1 લાખની જનસંખ્યા સામે માત્ર 100 જ પોલીસ છે, તેમ એક લાખ વાહનોની સામે માત્ર 20 જ ટ્રાફિક પોલીસ છે. વાહન ચાલકો પાસેથી દર વર્ષે હાજર, કોર્ટ, આરટીઓ ઉપરાંત ઇ-ચલણનાં માધ્યમથી કરોડો રૂપિયાનો દંડ વસુલ કરતી રાજ્ય સરકાર ટ્રાફિક નિયમન બાબતે કેટલી ગંભીર છે તેનો આ આંકડાઓ પરથી ચિતાર મળે છે.
શહેરમાં ટ્રાફિક પોલીસનું મંજૂર મહેકમ 752 છે. જેની સામે હાલ માત્ર 283 જ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ ફરજ બજાવી રહ્યા છે. પીએસઆઈની પણ આઠ જગ્યાઓ ખાલી છે. એકંદરે પોલીસમેન અને પીએસઆઈ મળી 400થી વધુ જગ્યાઓ ખાલી છે. જે ભરવા માટે રાજ્ય સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી. ટ્રાફિક બ્રાન્ચમાં હાલ જેટલો સ્ટાફ છે તેમાંથી પણ અંદાજે 20થી 30 પોલીસમેન દરરોજ જુદા-જુદા કારણોસર રજા પર હોય છે. આ સ્થિતિમાં દરરોજ એકંદરે 250નો સ્ટાફ જ ટ્રાફિક નિયમન માટે ઉપલબ્ધ હોય છે. શહેરમાં હાલ ટ્રાફિકનાં 28 સિગ્નલ છે. જ્યારે અલગ-અલગ 130થી વધુ પોઇન્ટ છે. તેમાં જ ટ્રાફિક બ્રાન્ચનો મોટાભાગનો સ્ટાફ રોકાયેલો છે. આ સ્થિતિમાં નવા-નવા પોઇન્ટ પર ટ્રાફિકના માણસોને નિયુક્ત કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બને છે.
રાજકોટ મનપાનાં ચોપડે ગયા વર્ષે જ 50,000 વાહનો નોંધાયા હતા. જેના પરથી એવું તારણ નીકળ્યું છે કે, શહેરનાં રસ્તાઓ પર દર મહિને 5,000 જેટલાં નવા વાહનો ઉમેરાઇ રહ્યાં છે. તેની સામે રસ્તાઓ પહોળા થતા ન હોવાથી રસ્તાઓ પર વાહનો સમાઇ ન શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેનાં પરિણામ સ્વરૂપ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બની ગઇ છે. વાહનોની સંખ્યા જોતાં શહેરનાં હવે મોટાભાગના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પોલીસની હાજરી હવે જરૂરી બની ગઇ છે પરંતુ રાજ્ય સરકાર જગ્યાઓ ભરવામાં ઉતાવળ દાખવતી ન હોવાથી રસ્તાઓ પર હાલમાં અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાય છે. તેમાં પણ ખરાબ રસ્તાઓ ટ્રાફિક સમસ્યાને ઔર પેચીદી-ગંભીર અને જીવલેણ બનાવી રહ્યાં છે.