રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 14 લાખ માનવોનો મહેરામણ ઉમટયો
વરસાદી ઝાપટાં વરસતાં રહ્યા છતાં : આશરે રૂ।. 50 કરોડ બજારમાં ફરતા થયા : મેળા આયોજનમાં 2 કરોડના અંદાજિત ખર્ચ સામે રૂ।. 2.25 કરોડ જેવી આવક થઈ : AIની મદદથી ભીડ નિયંત્રણ થયું પણ ટ્રાફિક જામ ગંભીરઃ મેળામાં ભૂલા પડેલા 100 વૃધ્ધો-બાળકોને પોલીસે શોધી કાઢ્યા
રાજકોટ, : સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના ઐતહાસિક-પરંપરાગત તા. 14 રાંધણછઠથી આજે તા. 18 દશમ સુધીના જન્માષ્ટમી લોકમેળાનું આજે મોડી રાત્રિના સમાપન થયું હતું. સવારે 9થી રાત્રે 11-30 સુધી પાંચ દિવસ ચાલેલા મેળામાં 14 લાખ લોકો આવ્યા હતા જેમાં સૌથી વધારે લોકો તા. 16ને જન્માષ્ટમીના દિવસે 3.54 લાખ નોંધાયા હતા.
રેસકોર્સમાં 70,00 ચો.મી.મેદાનમાં 23,000 ચો.મી.જમીનમાં 230 પ્લોટ ઉભા કરીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અન્ય સરકારી તંત્રોના સહયોગથી યોજાયેલા મેળામાં ચિક્કાર મેદનીથી સ્ટોલધારકોને તડાકો પડયો હતો. વારંવાર વરસાદી હળવા ઝાપટાંના પગલ મેળામાં કાર્યક્રમો માટેના ડોમ લોકો માટે વિસામા સ્થળ બની ગયા હતા.ભીડમાં ગત રાત્રિ સુધીમાં 60 બાળકો અને 22 વૃધ્ધો સહિત આજ સુધીમાં આશરે 100 વ્યક્તિ ભૂલા પડી જતા પોલીસે તેમનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.
20 લાખની વસ્તી ધરાવતા શહેરમાં આ એક જ મેળો યોજાતો હોવાથી દર વર્ષે વધતી ભીડને નિયંત્રીત કરવા આ વખતે પ્રથમવાર AIનો ઉપયોગ કરાયો હતો જેમાં મિનિટે મિનિટે ગેઈટ પર,મેળામાં અને આસપાસ રસ્તામાં વધતી-ઘટતી ભીડના ડેટા એનાલીસીસ કરીને પોલીસને ત્વરિત મેસેજ કરાતો જેના પગલે પોલીસ તુરંત જે તે સ્થળે મામલો સંભાળી લેતી હતી.
મેળામાં ગ્રામ્ય અને શહેરીજનોને આવવાના સમયનો ટ્રેન્ડ આ વખતે પણ જળવાયો હતો, જેમાં બપોરના સમયે ગ્રામ્ય મેદની ઉમટતી તો સાંજથી શહેરીજનોની ભીડ જામતી હતી. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા યોજાતા આ મેળામાં અંદાજે રૂ।. 2 કરોડનો ખર્ચ સામે 2.25 કરોડ જેવી આવકનો અંદાજ છે. જ્યારે નાના-મોટા ફેરિયાઓ,વેપારીઓના વેચાણ,રિક્ષાભાડા સહિત આશરે રૂ।.પચાસેક કરોડ બજારમાં ફરતા થયા છે.