127 વર્ષ પહેલા બંધાયેલું રાજકોટનું ઐતહાસિક લાલપરી તળાવ છલોછલ
અંગ્રેજ શાસનમાં પીવાના પાણી માટે શહેરમાં સૌપ્રથમ : 167થી વધુ પ્રજાતિના દેશ-વિદેશના પંખીઓનું નિવાસસ્થાન છે : 82 ચો.કિ.મી.નો કેચમેન્ટ એરિયા, પાણી પીવા માટે ઉપાડાતું નથી
રાજકોટ, : રાજકોટના પૂર્વ વિસ્તારમાં પ્રાકૃતિક સૌદર્યથી હર્યાભર્યા વિસ્તારમાં આવેલુ અને 127 વર્ષ પહેલા ઈ.સ. 1898માં જેનું બાંધકામ અંગ્રેજશાસકોએ કર્યું હતું તે 180 એમ.સી.એફટી.ની ક્ષમતા ધરાવતું ઐતહાસિક લાલપરી તળાવ આજે ૯૫ ટકા ભરાઈ જતા છલોછલ થયું છે. 19મી સદીના અંતમાં વિકસતા રાજકોટના શહેરીજનોને પીવાનું પાણી પૂરૂ પાડવા માટે માર્ચ- 1895માં આ તળાવનું બાંધકામ શરૂ કરાયું હતું અને 3 વર્ષમાં પૂરૂ કરાયું હતું. આજે પણ તે જળાશયમાં જળભંડાર ભરાયેલો રહે છે. આ તળાવમાંથી વર્ષો પહેલા પીવાના પાણી માટે ઉપાડ થતો હતો પરંતુ, બાદમાં આ તળાવ પ્રદુષિત થવા ઉપરાંત ત્યાં વન્યપ્રાણીઓ, ઝૂ માટે પાણી અને જળસ્ત્રોતની જરૂરિયાતને અનુલક્ષીને મહાપાલિકાએ દાયકા પહેલાથી ઉપાડ બંધ કરી દીધો છે.
આજે આ તળાવ ભયજનક જળસપાટીએ પહોંચતા ગમે ત્યારે આ ડેમમાંથી પાણી છૂટે તેમ છે અને તે અન્વયે નીચાણવાળા વિસ્તારો, નવાગામ અને બેડી ગામના લોકોને એલર્ટ મેસેજ જારી કરાયો છે.
આ તળાવ એ માત્ર જળસ્ત્રોત નથી પરંતુ, એક અઘોષિત વેટલેન્ડ સાઈટ છે અને જોડિયા તળાવ (ટ્વિન લેઈક) છે. લાલપરીને અડીને તેના 8 વર્ષ પહેલા રાંદરડા તળાવ બનેલું હતું જે દેશ-વિદેશના ઋતુપ્રવાસી એવા 167 પ્રજાતિના પંખીઓનું તે કુદરતી આશ્રયસ્થાન, સંવર્ધન કેન્દ્ર છે. જો કે આ સ્થળ પાસે પ્રદ્યુમ્નપાર્ક ઝૂ તથા વનવિભાગની નર્સરી, નમો વન પાસે ગીર જંગલ જેવું લાયન સફારી વિકસાવવાનું કામ ચાલુ છે પરંતુ, આ ઐતહાસિક તળાવ અને આજુબાજુનો વિસ્તાર વિકાસમાં હજુ ઉપેક્ષિત રહ્યો છે