અમદાવાદમાં પણ પીએમ 2.5નો ઈન્ડેક્સ 300ને પાર : ઘટતા જતા વૃક્ષો અને વધતા વાહનોથી શ્વાસ લેવો જ જોખમી : અસ્થમા, હૃદયરોગનું જોખમ વધારતું પીએમ 2.5 મુખ્ય પ્રદૂષક
રાજકોટ, : ભારતમાં વાયુ પ્રદુષણથી વર્ષે અંદાજે 17 લાખના મોત નીપજ્યા હતા અને ગત દાયકામાં 38 ટકાનો વધારો થયો છે, પ્રદુષણથી માત્ર શ્વસનતંત્રના અસ્થમા સહિતના રોગો જ નહીં પરંતુ, હૃદયરોગનો ખતરો પણ વધે છે તેવું તજજ્ઞા તબીબોએ જાહેર કરેલું છે તે સ્થિતિમાં રાજકોટના 20 લાખની વસ્તીને શ્વાસ લેવા માટેની હવા ફરી ઝેરી બની ગઈ છે. આજે સોરઠીયાવાડી સર્કલે મહત્તમ પ્રદુષણ સૂચવતો હવાની ગુણવત્તા આંક (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 358એ પહોંચ્યો હતો અને અન્ય તમામ સ્થળે પણ સહ્ય માત્રા કરતા વધુ પ્રદુષણ નોંધાયું છે.
સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને ગીચ શહેરોમાં પ્રદુષણની માત્રા હાલ અનુકૂળ હવામાન મળતા વધી રહી છે. આ પ્રદુષણ સર્જનાર મુખ્ય તત્વ છે પી.એમ. 2.5 એટલે કે હવામાં ઉડતા અત્યંત બારીક રજકણો કે જે શ્વાસ લેતા સીધા ફેફસાં સુધી પહોંચી જાય છે અને આહાર-વિહાર આરોગ્યપ્રદ હોય તો પણ બિમાર પાડી શકે છે.
રાજકોટમાં મનપાની મુખ્ય કચેરી ખાતે પણ પ્રદુષણ આંક 176એ પહોંચ્યો હતો. ઉપરાંત, મહિલા કોલેજ ચોક, આજી ડેમ, રેસકોર્સ પાસે આવેલા જિલ્લા પંચાયત ચોક, જામટાવર, દેવપરા, અટીકા વિસ્તાર, રેલવે સ્ટેશન, નાના મવા સર્કલ સહિત મોટાભાગના ચોકમાં મુકાયેલા સેન્સરોમાં પણ પ્રદુષણ આંક સહ્ય ક્ષમતા કરતા વધુ, 101થી 176 નોંધાયેલ છે. હવાને પ્રદુષિત કરનાર મુખ્ય તત્વોમાં પી.એમ-2.5 ઉપરાંત સલ્ફર ડાયોક્સાઈડ જોવા મળ્યા છે.
રાજકોટમાં પ્રદુષણ ઘટાડવાના નામ ઉપર મનપા ઈલેક્ટ્રીક વાહનો ખરીદવામાં,સોલાર પેનલ મુકવામાં (અને પછી બધી ઓફિસો એરકન્ડીશન્ડ કરીને વિજવપરાશ વધારવા) કરોડો રૂ।.નો ખર્ચ કરવામાં તો ઉત્સાહી રહે છે પરંતુ, શહેરના ઉજ્જડ માર્ગો પરથી એ.સી.કારમાં પસાર થઈને ઉદાસીન રહે છે. વૃક્ષારોપણ શહેર બહાર જ વધુ થાય છે.
સી.પી.સી.બી. અનુસાર આજે સાંજે ગુજરાતના અમદાવાદ ખાતે પણ પી.એમ. 2.5ની માત્રા સરેરાશ 223 અને મહત્તમ 346 નોંધાઈ છે જે હવા અત્યંત પ્રદુષિત બન્યાનું સૂચવે છે. આ જ રીતે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ મહત્તમ 297 અને સરેરાશ 139 પી.એમ.2.5 સૂચવે છે કે હવા શુધ્ધ રહી નથી.


