આજે વિશ્વ સાડી દિવસ : સૌરાષ્ટ્ર -કચ્છની સાંસ્કૃતિક સાડીઓ વિશ્વભરમાં પ્રચલિત
સ્ત્રીઓએ સાડીને રોજીંદા પહેરવેશની બદલે પ્રસંગોપાત સ્થાન આપ્યું, છતાં આધુનિક સમયમાં પણ સાંસ્કૃતિક સાડીઓનું મહત્વ અકબંધ
રાજકોટ: ભારતીય સંસ્કૃતિમાં પ્રાદેશિક પોષાકનું ખૂબ મહત્વ છે, જેમાં ખાસ કરીને સિલાઇ વિનાની પુરુષની ધોતી અને સ્ત્રીઓની સાડી સ્વાસ્થ્ય માટે સારી હોવાની પણ માન્યતા છે. પહેલાના સમયમાં મોટાભાગની સ્ત્રીઓ સાડી પહેરતી પરંતુ અત્યારે પ્રસંગોપાત સાડી પહેરવામાં આવે છે. ભારતની સંસ્કૃતિમાં પ્રદેશ પ્રમાણે વિવિધ સાડીઓનું ચલણ ટકાવી રાખવા અને તેનું મહત્વ ઉજાગર કરવા 'વિશ્વ સાડી દિવસ' ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છના ઘરચોળા, રાજકોટી પટોળા, જામનગર અને કચ્છની બાંધણીઓએ જી.આઇ. ટેગ મેળવી આગવી ઓળખ ઊભી કરી છે.
લગ્નમાં દીકરીઓ દ્વારા પહેરવામાં આવતી લાલ, લીલી, મરુન સાડીને ઘરચોળુ કહેવામાં આવે છે. ગુજરાતમાં જ્ઞાાતિ અને સમાજની પરંપરા અનુસાર ઘરચોળા બનેે છે. સૌરાષ્ટ્રની બહેનો સ્થાનિક સાડીઓમાં વિવિધ પરંપરાગત ભાતો ઉપસાવી નવી ડિઝાઇન તૈયાર કરે છે. અત્યારે લગ્ન સમયે મોટાભાગની મહિલાઓ ચણીયા ચોલી પહેરવાનું પસંદ કરે છે. ગુજરાતી ઘરચોળાને ૨૦૨૪માં જી.આઇ. ટેગ પ્રાપ્ત થયો હતો.
માલધારીઓને દરેક ઋતુમાં રક્ષણ આપે તેવું અજરખનું કાપડ સ્ત્રીઓની ફેવરિટ સાડી બની 
'કચ્છના ખત્રીઓ દ્વારા બનાવાતું આ કાપડ કચ્છની દરેક ઋતુમાં અનુકૂળ હોવાથી માલધારીઓ એક જ અજરખ ભાતવાળા ટુકડાનો ચાદર, શાલ, ઝોળો (થેલી) તરીકે ઉપયોગ કરતા હતા. એક સાઇડ ભાત ઉપસાવ્યાં પછી તેને એક દિવસ સૂકવવા રાખતાં તેથી 'આજ રખ' પછીે 'અજરખ' નામ ઉપસી આવ્યું. કેમિકલથી મુક્ત અજરખના કાપડને ૨૦૨૪માં જી.આઇ ટેગ મળ્યો. છેલ્લા પાંચ વર્ષથી અજરખ સાડી, દુપટ્ટા, ચણીયા ચોલી, શર્ટ, કૂર્તી અને કોડસેટની ખાસ ડિમાન્ડ છે.'- સોહેબહુસેન ખત્રી,અજરખપુર
જામનગરી બાંધણીની ડિમાન્ડ દિવસે દિવસે વધી રહી છે
'પહેલાના સમય જેટલી જ ચોક્કસાઇપૂર્વક બાંધણી બાંધનારા કારીગરો છે. કોટનની બાંધણી રોજીંદા જીવનમાં પહેરવામાં આવતો બજેટ ફ્રેન્ડલી પહેરવેશ છે. સિલ્કની બાંધણી પ્રસંગોપાત પહેરવામાં આવે છે. જામનગરી બાંધણીને ૨૦૧૬માં જી.આઇ. ટેગ પ્રાપ્ત થયો હતો. તેના પહેલાથી ગુજરાત અને ભારતમાં જામનગરી બાંધણી પ્રચલિત હતી. વિદેશમાં વસતા ભારતીયો પણ બાંધણીની સાડી પહેરવાનું પસંદ કરે છે. દિનપ્રતિ દિન બાંધણીની માંગમાં વધારો થતો જોવા મળે છે.' - વિમલ શાહ, જામનગર
પટોળાંના કારીગરો માટે માર્કેટમાં ડુપ્લિકેટ પટોળાંનું વેચાણ ગ્રહણ
'રાજકોટી પટોળાં બનાવતાં એક કારીગર પરિવારને ચારથી પાંચ મહિના જેટલો સમય લાગતો હોય છે. પટોળાંની જૂની વિન્ટેજ અને હેરિટેજ પ્રિન્ટ બનાવતાં એક પરિવારને એક વર્ષ કરતાં પણ વધારે સમય લાગે છે. રાજકોટી પટોળાંને ૨૦૧૭માંજી.આઇ. ટેગ મળ્યો છે. સુરતમાં મશીનોના માધ્યમથી બનતાં ડુપ્લિકેટ પટોળા કલાનું અપમાન છે.અન્ય સાડી અને કાપડમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ પટોળાંમાંથી બનાવવામાં આવતી નથી તેથી સાડીનું માહત્મય જળવાઇ રહ્યું છે.'- તરુણ પરમાર, રાજકોટી પટોળાં
કચ્છની આગવી ઓળખ એટલે કચ્છી બાંધણી
'કચ્છના ખત્રીઓ દ્વારા પરંપરાગત પદ્ધતિથી કાપડને બાંધીને વિવિધ જીણી ભાત ઉપસાવવામાં આવે છે. જામનગરી બાંધણી કરતાં ઝીણા દાણાવાળી અને જીણવટપૂર્વક ભરચક બનેલી ડિઝાઇન કચ્છી બાંધણીની વિશેષતા છે. કચ્છમાં બનતી પ્યોર બાંધણીઓ ૨૫૦૦થી લઇને ૪.૫ લાખ સુધી વેચાય છે. કચ્છી બાંધણીમાં અત્યારે પેસ્ટલ રંગોની ડિમાન્ડ વધી છે. બાંધણીની સાડી સાથે ડ્રેસ, દુપટ્ટા અને ચણીયાચોલીની ડિમાન્ડ રહેતી હોય છે.' - ગુલામહુસેન ખત્રી, કચ્છી બાંધણી


