Gujarat

દૂબઈ સ્થાયી થયેલા રાજકોટના યુવાનનું અપહરણ કરી 17 લાખની ખંડણી માંગી

By GS TEAM
13 Sep 20252 mins read
દૂબઈ સ્થાયી થયેલા રાજકોટના યુવાનનું અપહરણ કરી 17 લાખની ખંડણી માંગી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક કાર આંતરીને 8 શખ્સો ઉઠાવી ગયા : પૈસાની દેતી-દેતીનાં મામલે યુવાન અને મિત્રને બેફામ માર મારીને પાસપોર્ટ, દુબઈ બેંકનું ડેબીટ કાર્ડ, રોકડ રકમ અને કાર તફડાવી લીધા 

મોરબી, : વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે લાખો રૂપિયાની લેતીદેતી મામલે યુવાન સાથે ઝઘડો કરી આઠેક જેટલા ઇસમોએ પાસપોર્ટ, દુબઈ બેંકનું ડેબીટ કાર્ડ, રોકડ રકમ પડાવી લીધા હતા અને કારમાં બેસાડી અપહરણ કરી ગયા બાદ પરિવારના સભ્યોને ફોન કરી રૂપિયા 17 લાખની ખંડણી માંગીને કાર જામીનગીરી તરીકે મુકાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીને ઝડપી લીધો હતો અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

મૂળ રાજકોટ અને હાલ યુનાઈટેડ આરબ ઈમીરેટસ (યુએઈ) રહેતા નમન દિલીપભાઈ લુણાગરીયા (ઉ.વ. 21) નામના યુવાને આરોપીઓ દિવ્યરાજ સંજયભાઈ સોલંકી, દિવ્યરાજના પિતાજી સંજયભાઈ સોલંકી (રહે. બંને રાજકોટ), રણજીતભાઈ ડાંગર (રહે. ઠીકરીયાળા) તેમજ બીજા પાંચેક જેટલા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પોતે ચાર માસથી દુબઈ સ્થિત એક કંપનીમાં મેસેન્જર તરીકે નોકરી કરે છે. આ સાથે ક્રિપ્ટો કરન્સી યુએસડીટીની ઓનલાઈન લેવડ-દેવડ પણ કરતો હતો. જેમાં રાજકોટ રહેતા મિત્ર દેવ સંદીપભાઈ સિંધવ સાથે માર્ચ મહિનામાં લેવડ-દેવડ સમયે તેણે પોતાના મિત્ર દિવ્યરાજ સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરાવીને રૂ. 17 લાખના વહીવટમાં બેન્ક એકાઉન્ડ ફ્રિજ થઈ ગયાનું ખોટું બોલાવડાવ્યું હતું.

આ દરમિયાન 4 દિવસ પહેલા તા.૯ના રોજ નમન દુબઈથી આવતા મિત્ર દેવ સિંધવ, પાથવ ભુપતભાઈ ઝાપડા અને હર્ષ પટેલ તેને અમદાવાદ એરપોર્ટ પર તેડવા આવ્યા હતા. તેઓ કારમાં રાજકોટ આવવા નીકળ્યા અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોંચતા આઠેક ઇસમોએ અટકાવીને ત્રણેયના પાકીટ અને મોબાઈલ ફોન આંચકી લીધા હતા. જેમાં પાસપોર્ટ, દુબઈનું ઈમીરેટસ આઈડી, એનબીડી બેંકનું ડેબીટ કાર્ડ, 20,000 રૂપિયા રોકડા હતા. બાદમાં ત્રણેયને બેફામ માર મારીને 'તારે દિવ્યરાજને 17 લાખ રૂપિયા આપવાના છે, તે કેમ અપાતો નથી' કહીને છરી બતાવી પહેલા મોટાભાઈ અને બાદમાં માતાને ફોન કરાવ્યો હતો અને 17 લાખ રૂપિયા તાત્કાલિક મોકલવા, અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

જો કે, પરિવારજનોએ પોલીસને જાણ કરવાનું કહેતા આરોપી દિવ્યરાજ અને તેના માણસો હાલ રોકડા પૈસા ના હોવાથી I-20 કાર જામીનગીરીમાં રાખીને નમન અને તેના મિત્રને રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીએ મૂકી નાસી છૂટયા હતા. જેથી બાદમાં ઘરમેળે સમાધાન કરવું હતું, પરંતુ પાસપોર્ટ પરત નહિ આપતા આખરે આજે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને મુખ્ય આરોપી દિવ્યરાજને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.