રાજકોટ યાર્ડમાં ભર ચોમાસે તલની ધોધમાર આવક નોંધાઈ
રાજ્યમાં વર્ષે સરેરાશ દોઢ લાખ ટન તલનું ઉત્પાદન ભાવ મહિનાથી સ્થિર : ગત વર્ષની સાપેક્ષે તલીમાં મણે 400નો ઘટાડો, ગત વર્ષે 1.23 લાખ ટનનુ ઉત્પાદન
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં અગ્રેસર એવા રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં વરસાદી માહૌલ વચ્ચે પણ ઉનાળુ તલની ધોધમાર આવક શરૂ થઈ છે. આજે એક દિવસમાં 14000 ક્વિન્ટલ,ગત તા. 26ના 11,000 ક્વિન્ટલ, તા. 24ના 7200 ગત તા. 16ના 15,000ક્વિન્ટલ સહિત ગત પખવાડિયામાં 47,200 ક્વિન્ટલ અર્થાત્ 2.36 લાખ મણની આવક નોંધાઈ છે.
તલનું વાવેતર હાલ ચાલી રહેલી ખરીફ ઋતુમાં તેમજ ઉનાળુ ઋતુમાં થતું હોય છે. તલનો સૌથી વધુ પાક કચ્છ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. ચોમાસાની આ ઋતુમાં સરેરાશ 60,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે તે સામે આજ સુધીમાં જ આશરે 5000 હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે રાજ્યમાં 1.67 લાખ હેક્ટરમાં 1.23 લાખ ટન તલનો પાક ઉતર્યો હતો. વર્ષે સરેરાશ દોઢ લાખ ટન તલ પાકે છે.
યાર્ડમાં ગત વર્ષે આ સમયે તલના ભાવ રૂ. 2250- 2650 સામે આ વર્ષે એક માસથી રૂ. 1600 થી 2050 વચ્ચે મળે છે, જો કે બે માસ પહેલા રૂ. 1100- 1985 -1985ના ભાવ કરતા હાલ ભાવ વધારે છે પરંતુ, ગત વર્ષની સાપેક્ષે પ્રતિ મણ આશરે રૂ. 400 ઓછા છે. કાળા તલના ભાવ ઉંચા રહે છે જે બે મહિના પહેલા મહત્તમ પ્રતિ મણ રૂ.5200એ પહોચ્યા હતા અને હાલ રૂ. 2540- 3285એ સોદા થઈ રહ્યા છે.