રાજકોટની વિદ્યાર્થિની દોડની સ્પર્ધામાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેશે
સૌરાષ્ટ્ર યુનિ.ના ઇતિહાસની ગૌરવરૂપ ઘટના આગામી તા. 16થી 27 જૂલાઇ દરમિયાન કુ. દેવયાનીબા ઝાલા જર્મની ખાતે સૌરાષ્ટ્ર યુનિ.નું પ્રતિનિધિત્વ કરશે
રાજકોટ, : શાળાના અભ્યાસ કાળથી જ શ્રેષ્ઠ દોડવીર બનવાની ઇચ્છા હોવાથી સતત પ્રેકટીસ અને મહેનતથી હંમેશા સફળતા મળે છે. રાજકોટની વીરબાઇમા મહિલા કોલેજની વિદ્યાર્થિની કુ. દેવયાનીબા ઝાલાએ અગાઉ યુનિ. કક્ષાએ આંતર કોલેજ દોડ સ્પર્ધા સહિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ચેમ્પિયનશીપ મેળવ્યા બાદ હવે તેઓ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પસંદ થયા હોવાનું યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલાડી દેવયાનીબા ઝાલાએ દોડની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. યુનિ.ના ઇતિહાસમાં પ્રથમ વખત દોડની સ્પર્ધામાં એવા ખેલાડીની પસંદગી થઇથ છે જે ખેલાડી હવે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
અહીની માતુશ્રી વીરબાઇમા મહિલા કોલેજનાં વિદ્યાર્થિની કુ. દેવયાનીબા ઝાલાનું 400 મીટર રનીંગ ઇવેન્ટમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પસંદગી પામ્યા છે. તેઓ આગામી તા. 16થી તા. 27 જૂલાઇ દરમિયાન જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લઇ સૌરાષ્ટ્ર યુનિ.નું પ્રતિનિધિત્વ કરશે. તેઓ અગાઉ કોલેજ કક્ષાએ, યુનિવર્સિટી, રાજ્ય અને ઓપન નેશનલ સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા બન્યાં છે.