રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ
કોટડાસાંગાણીના ખરેડા ગામ પાસ કારની તલાસી લેતા ભાંડો ફૂટયો : નશીલા પદાર્થ મેફેડ્રોન જથ્થા સહિત કાર, મોબાઈલ ફોન વિગેરેનો 14.27 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
કોટડા સાંગાણી, : રાજકોટથી કોટડાસાગાણીના રસ્તે થઈને એક સેલ્સમેન ગોંડલ તરફ મેફેડ્રોન જથ્થા સાથે નીકળવાનો હોવાની માહિતીના આધારે પોલીસે વોચ રાખી હતી.આ શખ્સની કોટડાસાંગાણીના ખરેડા ગામ પાસે કાર ચેક કરતા તેમાંથી નશીલા મેફેડ્રોન પદાર્થ મળી આવ્યો હતો આથી પોલીસે કાર અને મુદ્દામાલ સહિત ધરપકડ કરી છે.
રાજકોટ જિલ્લા એસ.ઓ.જી પોલીસને માહિતી મળી હતી કે રાજકોટના દૂધસાગર રોડ, સાગર ચોક હાઉસિંગ સોસાયટીમાં રહેતો રાજકોટમાં સેલ્સમેન તરીકે વ્યવસાય કરતો સાહિલ ઉર્ફે રઝાક ફિરોઝભાઈ ગોપલાણી નામનો શખ્સ માદક મેફેડ્રોન ડ્રગ્સ સાથે કારમાં નીકળવાનો છે .અને આ શખ્સ રાજકાટેથી વાયા કોટડાસાંગાણીના રસ્તેથી પસાર થવાનો છે .આથી પોલીસે વોચ રાખી હતી. એ પછી માહિતી વાળી કાર નીકળતા જ તેને રોકી તલાશી લેતા આ કારમાંથી 92160 ગ્રામ જેની કિંમત રૂ. 9.21 લાખ થાય છે તે માદક મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.આથી તેની પોલીસે અટક કરી કોટડાસાંગાણી પોલીસમાં ગુન્હો નોંધાવાયો છે. આ શખ્સ અગાઉ ગોંડલની સુતાર શેરી દેવપરા કડિયાલાઈન વિસ્તારમાં રહેતો હતો. મેેફેડ્રોન ઉપરાંત તેની પાસેથી રૂ. 5,000નો મોબાઈલ ફોન, રૂ. 5 લાખની કિમતની કાર, અને એક હજાર રૂપિયા રોકડા પોલીસે કબજે કર્યા છે આ કિસ્સામાં કુલ રૂ. 14.27 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે.