Gujarat

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા

By GS TEAM
8 Dec 20252 mins read
TukuTouch Logo
રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સહેલાણીઓના જીવ જોખમમાં મુકાયા હતા. રાજકોટના અટલ સરોવર ખાતે આનંદ-પ્રમોદ માટે આવેલા લોકો માટે રાઈડની મજા સજારૂપ બની ગઈ હતી જ્યારે એક ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ બંધ કરીને જતો રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા
પ્રતિકાત્મક તસવીર

Rajkot News : રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સહેલાણીઓના જીવ જોખમમાં મુકાયા હતા. રાજકોટના અટલ સરોવર ખાતે આનંદ-પ્રમોદ માટે આવેલા લોકો માટે રાઈડની મજા સજારૂપ બની ગઈ હતી જ્યારે એક ચકડોળ ઓપરેટર ચાલુ રાઈડ બંધ કરીને જતો રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અટલ સરોવરમાં આવેલી રાઈડ્સમાં લોકો બેઠા હતા ત્યારે ઓપરેટરે અચાનક 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરી દીધું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો. આ ગંભીર લાપરવાહીને કારણે રાઈડમાં બેઠેલા 5 થી 6 લોકો આશરે 20 મિનિટ સુધી 100 ફૂટની ઊંચાઈએ હવામાં લટકી રહ્યા હતા. અધવચ્ચે અટવાઈ ગયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ મનપાના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. જોકે, માત્ર ઓપરેટરને છૂટો કરવાથી સમસ્યાનો હલ આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હાલ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે? શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.