Video: રાજકોટમાં 'રીલ્સ'ની લ્હાયમાં નબીરાઓ બેફામ, ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખમમાં મૂક્યો

Viral Video on Social Media: દિવાળીના તહેવાર વચ્ચે રાજકોટમાં કેટલાક નબીરાઓનો બેફામ 'આતંક' સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર 'રીલ્સ' બનાવીને વાહવાહી લૂંટવાની લ્હાયમાં આ યુવાનોએ લોકોના જીવ જોખમમાં મૂકાય તેવું કૃત્ય કર્યું છે.
ચાલુ કારે ફટાકડા ફોડીને રોડ પર ફેંક્યા
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પાસે આ ઘટના સામે આવી છે. જ્યાં એક કારમાં સવાર નબીરાઓએ ચાલુ કારે સળગતા ફટાકડા જાહેર રસ્તા પર ફેંક્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં બેઠેલો એક યુવાન ફટાકડો સળગાવે છે અને પછી ગાડીની બારીમાંથી તેને બહાર જાહેર રસ્તા પર ફેંકી દે છે. આ કૃત્યથી રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકાયા હતા.
જાહેરનામાનો ભંગ, પોલીસને ખુલ્લો પડકાર
દિવાળીના તહેવાર પર જાહેર રોડ પર ફટાકડા ન ફોડવા અંગેનું પોલીસનું જાહેરનામું અમલમાં હોવા છતાં નબીરાઓએ તેની સરેઆમ અવગણના કરી હતી. રીલ્સ બનાવીને જાણે આ યુવાનો 'ખાખીધારી' પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું વીડિયો પરથી લાગી રહ્યું છે.
માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી
જોખમી સ્ટંટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ રાજકોટ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. માલવિયાનગર પોલીસે તાત્કાલિક વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે અને કાયદો હાથમાં લેનારા આ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.
રીલ્સ અને શૉર્ટકટ્સથી પ્રસિદ્ધિ મેળવવાના આંધળા જોખમમાં યુવાનો અવારનવાર ગુનો આચરીને કાયદાનું ભાન ભૂલી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આવા બેફામ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવશે?

