રાજકોટના રમેશચંદ્ર ફેફરનો આપઘાત, પોતાને ગણાવતા હતા વિષ્ણુનો દસમો અવતાર
Rameshchandra Fefar : રાજકોટમાં પૂર્વ સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રમેશચંદ્ર ફેફર પોતાને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર ગણાવનાર અને ભગવાન કલ્કિ હોવાનો દાવો કરતા હતા.
વર્ષોથી એકલવાયુ જીવન જીવતા ફેફરે રાત્રિના સમયે આ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. એકલતાના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
રમેશચંદ્ર ફેફર જેઓ ભૂતકાળમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા, પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેઓ પોતે ભગવાન કલ્કિ હોવાનો દાવો કરતા હતા અને અનેક વખત આવા નિવેદનો આપી ચૂક્યા છે.
મૃતક રમેશચંદ્ર ફેફર છેલ્લા ઘણા વર્ષોથી એકલા રહેતા હતા. તેમના પત્ની અને પુત્ર વિદેશમાં રહે છે. તેમના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.