Get The App

આલ્કોહોલ ડિટેક્શન ડોગ આદ્રેવની મદદથી રાજ્યનો પ્રોહિબીશનનો ગુનો નોંધાયો

ગુજરાત પોલીસે નવ મહિનાની ખાસ તાલીમ આપી

રાજકોટના ઢેબર કોલોનીના એક મકાનમાંથી દારૂ બનાવવા માટેનો આથો શોધ્યોઃ દારૂ બનાવવાની ચીજ વસ્તુઓ શોધવામાં ડોગ નિષ્ણાંત છે

Updated: Oct 31st, 2024

GS TEAM

Google News
Google News
આલ્કોહોલ ડિટેક્શન ડોગ આદ્રેવની મદદથી રાજ્યનો પ્રોહિબીશનનો ગુનો નોંધાયો 1 - image

અમદાવાદ,ગુરૂવાર

દારૂને લગતા કેસને શોધવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ શરૂઆતના ભાગરૂપે આલ્કોહોલ ડિટેક્શન ડોગ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત નરોડા સ્થિત ડોગ  ટ્રેનીગ સેન્ટરમાં આદ્રેવ નામના ડોગને ખાસ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ ખાતે અગાઉ પ્રોહિબીશનના કેસ નોંધાયા હોય ત્યાં તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ઢેબર કોલોનીમાં દારૂ બનાવવા માટેના આથાનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જેના આધારે આલ્કોહોલ ડિટેક્શન ડોગ દ્વારા શોધાયેલો રાજ્યનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે દારૂના કેસ શોધવા માટે ડોગને પણ ખાસ તાલીમ આપવાની કામગીરી શરૂ કરી હતી.

જેના ભાગરૂપે અમદાવાદના નરોડામાં આવેલા ડોગ ટ્રેનીગ સ્કૂલમાં પોલીસના સિનિયર ડોગ ટ્રેનિગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડ દ્વારા  આદ્રેવ નામના ડોગને સતત નવ મહિના સુધી પ્રાહિબીશન માટેની ખાસ તાલીમ આપવામાં આવી હતી. જેમાં દારૂ તેમજ દારૂ બનાવવાની જરૂરી ચીજ વસ્તુઓ સુઘવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી. જે ટ્રેનીંગ પૂર્ણ થતા રાજકોટના ડોગ સ્ક્વોડ દ્વારા શહેરમાં જ્યાં અગાઉ દારૂના કેસ થયા હતા ત્યાં લઇ જઇને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઢેબર કોલોનીના એક મકાનમાંથી આદ્રેવે દારૂ બનાવવા માટે છુપાવવામાં આવેલો આથો શોધી કાઢ્યો હતો. જેના આધારે રાજકોટ પોલીસે આલ્કોહોલ ડિક્ટેક્શન સ્ક્વોડ દ્વારા શોધવામાં આવેલો રાજ્યનો પ્રથમ ગુનો નોંધ્યો હતો. આગામી સમયમાં ગુજરાત પોલીસ અન્ય ડોગને તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે. જેના આધારે રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા આલ્કોહોલ ડિટેક્શન ડોગની મદદથી કામગીરી કરવામાં આવશે.


Tags :