રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા 'વોર'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Parshottam Pipaliya Vs Rambhai Mokariya : રાજકોટના રાજકારણમાં અને સામાજિક વર્તુળોમાં જાણીતા એવા સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મામલો ગરમાયો છે, જેના પગલે રાજકોટમાં 'સોશિયલ મીડિયા વોર'ની સ્થિતિ સર્જાઈ છે.
સમગ્ર વિવાદની શરૂઆત પરષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટથી થઈ હતી, જેમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ 'કટકીખોર' પદાધિકારી પર આકરા પ્રહારો કર્યા હતા. પીપળીયાએ દાવો કર્યો હતો કે આ પદાધિકારીએ રાજકોટની પંચવટી સોસાયટીમાં પાંચ કરોડ પચાસ લાખ રૂપિયાની મિલકત ખરીદી છે.
રામ મોકરિયાનો વળતો જવાબ, વોરની શરૂઆત
પરષોત્તમ પીપળીયાની આ પોસ્ટ બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વળતો જવાબ આપ્યો હતો, જેના પગલે બંને દિગ્ગજો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો.

પરષોત્તમ પીપળીયાના આકરા આક્ષેપો
પરષોત્તમ પીપળીયાએ રામ મોકરિયાને સંબોધીને કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'રામભાઈ આપના પક્ષમાં કોણ કૌભાંડીયા છે તે આપ સારી રીતે જાણો છો, મારા મોંમા આંગણા નાખવાનું રહેવા દો. હા એટલુ ચોક્કસ કે આપ અણીશુદ્ધ પ્રમાણીક છો પરંતુ કોણ ભ્રષ્ટાચારી છે તે આપની જાણમાં ન હોય તો તે આપની નાદાનિયત છે.'
તેમણે મહાનગરપાલિકાના એક કથિત ઉચ્ચ પદાધિકારીને 'કટકીનો બેતાજ બાદશાહ કોર્પોરેટર' કહીને આક્ષેપ કર્યો હતો કે, જેનો રેકોર્ડ 'સૌથી ઓછા બોલમા (સમય)મા લાંચની સદીઓ ફટકારવાનો છે કે જે સબ જમીન ઠાકોરની માનનારો છે તે આપ પણ જાણો છો અને આખુ રાજકોટ પણ જાણે છે.' પીપળીયાએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, 'બીજુ ઠીક પણ ઓલા સાત કરોડની રકમ હપ્તે હપ્તે ભુલવાના હપ્તા પુરા થયા કે નહી?'
બેંક કૌભાંડનો ઉલ્લેખ કરી આપી સફાઈ
પરષોત્તમ પીપળીયાએ પોતાના પર લાગેલા આક્ષેપોના જવાબમાં 20 વર્ષ પહેલાની એક બેંકની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'આ બાબત 20 વરસ પહેલાની છે અને ત્યારે બેંકમાં હું ક્લાર્ક હતો. તેમ છતાં બેંકના દરેક કૌભાંડીયાઓને જેલ ભેગા કરવામાં આવ્યા, તમામ પાસેથી વસુલાત કરવામા આવી, મની લોન્ડરિંગના દાવાઓ કરવામાં આવ્યા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ને તપાસ કરી જવાબદારો સામે અમદાવાદ મુકામે કાર્યવાહી ચાલુ છે તે અમોએ ખરા અર્થમાં ચરમબંધીઓને છોડયા નથી.'
તેમણે ઉમેર્યું હતું કે તે વખતે બેંકના બોર્ડના સભ્યો નિર્દોષ હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી અને બોર્ડે સાક્ષી તરીકે જુબાની આપી આરોપીઓને સજા કરાવવામાં મદદ કરી હતી. હાલમાં આ બંને દિગ્ગજો તરફથી કરવામાં આવેલા આક્ષેપોના લીધે રાજકોટના રાજકીય અને સામાજિક માહોલમાં ગરમાવો લાવી દીધો છે.









