'માતાજીની સાક્ષીએ કહું છું, હું ખોટું નથી બોલતો...', રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News: શહેરના સોરોઠીયાવાડી વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક અમિત અરવિંદભાઈ તન્નાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આપઘાત પૂર્વે અમિતભાઈએ એક ભાવુક વીડિયો બનાવ્યો હતો અને બે પાનાની સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં વ્યાજખોર જયદીપ દિનેશભાઈ મૈયડ (બોરીચા) દ્વારા કરવામાં આવતા ત્રાસનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે.
2018માં રિક્ષા ખરીદવા લીધી હતી આર્થિક મદદ
મળતી વિગતો અનુસાર અનુસાર, વર્ષ 2018માં રિક્ષા ખરીદવા માટે તેમણે જયદીપ બોરીચા પાસેથી આર્થિક મદદ લીધી હતી. આ રકમ પેટે અમિતભાઈએ દોઢ લાખ રૂપિયાની કિંમતની રિક્ષા પણ તેને સોંપી દીધી હતી. આમ છતાં, જયદીપ બોરીચાએ અમિતભાઈના સહી કરેલા કોરા ચેકનો દુરુપયોગ કરી કોર્ટમાં કેસ કર્યો હતો. અમિતભાઈનો આક્ષેપ છે કે તેમણે અવારનવાર વ્યાજ અને રકમ ચૂકવી હોવા છતાં, જયદીપ વધુ પૈસાની માંગણી કરી માનસિક ત્રાસ આપી રહ્યો હતો.
![]() |
| સુસાઈડ નોટ |
'જજ જામીન આપશે પણ આ માતાજી તને નહીં આપે'
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં અમિતભાઈ અત્યંત ભાવુક નજરે પડે છે. તેમણે મેલડી માતાજીના મંદિર પાસે ઊભા રહીને વીડિયો બનાવતા કહ્યું કે, 'મેં કોઈના પૈસા લીધા નથી, આ વ્યાજખોરે મારા ખોટા ચેક નાખી દીધા છે. મને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. કોર્ટ ભલે તેને જામીન આપે, પણ આ માતાજી તને ક્યારેય નહીં છોડે.'
શબ્દ શ: મૃતકે અંતિમ વીડિયોમાં શું કહ્યું!
જય માતાજી
મેલડી માતાજીના મંદિર આવ્યો છું
કોર્ટમાં ગયો હતો
આપણે ત્યાં હારી ગયા છીએ એ ખબર જ છે
વીડિયો બનાવવાનું કારણ એક જ છે
માતાજીની સાક્ષીએ કહું છું
મે આટલા બધા રૂપિયા નથી
મારે જે કરવું હતું તે એ મે કરી લીધું
આને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજે ભૂત
હું જયલા પાસે સાત વર્ષનો હિસાબ લેવા આવીશ
માણસ મરી જાય ને ત્યારે જ સામેવાળા માને કે આ સાચો છે
બાકી કોઈ નથી માનતું
અને હજી કહું છું
માતાજીને સાક્ષી રાખીને કહું છું
મે આટલા બધા રૂપિયા નથી લીધા
તેણે મારા ખોટા ચેક ભર્યા છે
અને હજી મને કહે છે કે આઠ ચેક પડ્યા
મને એમ કહે છે દવા પી જા તો પણ મને જામીન મળી જાય
તો ભાઈ મે દવા પી લીધી છે
બરાબર
તને કદાચ કોર્ટ જામીન આપી દેશે
પણ માતાજી તને જામીન નહીં આપે
મારા શબ્દો લખી રાખજે તું
આ માતાજી તને જામીન નહીં આપે, નહીં આપે અને નહીં આપે
માનસિક ત્રાસ આપી પ્રતાડીત કર્યા
મહત્વનું છે કે અમિતભાઈએ એક મંડળીમાં લોન લેવા માટે જે કોરા ચેક આપ્યા હતા, જયદીપ તે મંડળીમાંથી ચેક ઉપાડી લાવ્યો અને 60 હજાર સામે આ કોરા ચેકમાં 3 લાખની રકમ ભરી બેંકમાં જમા કરાવી દીધા અને ચેક રિટર્નની ધમકી આપી માનસિક ત્રાસ આપી પ્રતાડીત કર્યા હતા.
મૃતકની પત્નીએ શું કહ્યું?
અમિતભાઈના પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વ્યાજખોર અવારનવાર ફોન કરીને 30 થી 40 હજારની માંગણી કરતો હતો. ગત રાત્રે પણ ફોન પર ધમકી આપવામાં આવી હતી કે જો પૈસા નહીં ભરે તો જેલ જવું પડશે. આ ત્રાસ સહન ન થતા તેમણે આ અંતિમ પગલું ભર્યું છે.
શું પરિવારને મળશે ન્યાય?
ઝેરી દવા પીધા બાદ રિક્ષાચાલક અમિતભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં હવે પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ હાલ તો પોલીસે જયદીપ બોરીચા વિરુદ્ધ એક્શન લેવાની તૈયારી છે. પણ વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ ચલાવાતી હોવાના દાવા સરકાર અને પોલીસ તંત્ર દ્વારા થઈ રહ્યા છે, ત્યારે શું અમિતભાઈ અને તેમના પરિવારને ન્યાય મળશે? આવા વ્યાજખોરોને કેમ કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી તે મોટો સવાલ છે.









