Rajkot News: રાજકોટમાં લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે બે ગૌરક્ષક પર ટોળકીએ છરીથી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી છે. શનિવારે (3 જાન્યુઆરી)ના રોજ બે ગૌરક્ષકે પશુને કતલખાને જતાં બચાવવા જિંદગીની બાજી લગાવી હતી. 15 થી 20 ઈસમોએ વળતો પ્રહાર કરી બે ગૌરક્ષક પર હુમલો કર્યો હતો. જેમાં એકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલમાં કર્યો છે.
આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો
બે જીવદયા પ્રેમી ગૌરક્ષક શનિવારની રાત્રે સદર બજારમાં પશુને કતલખાને જતાં બચાવવા ડેરો નાખીને ઊભા હતા. તેમણે બાતમી મળી હતી કે લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિર સામે પશુહત્યા કરનાર ઈસમો હેરાફેરી કરી રહ્યા છે, જેથી જોર શોરથી બૂમો પાડી પશુ અંગો ભરેલી રિક્ષા અટકાવી હતી. આરોપીએ ત્યાંથી વાહન સાથે ભાગી જવાનો પ્રયાસ કરતો હતો ત્યાં અન્ય એક ફોર વ્હીલ સાથે રિક્ષા અથડાવી દીધી હતી.
15-20 લોકોની ટોળકીએ છરીથી હુમલો કરી દીધો
છતાં પણ હિંમત રાખી બંને ગૌરક્ષકોએ પશુ અંગો ભરેલી રિક્ષા સાથે ઈસમને પકડી પાડ્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં બનાવની જાણ કરી હતી. પણ તે જ સમયે 15 થી 20 ઈસમો ત્યાં આરોપીને બચાવવા આવી પહોંચ્યા હતા, અને બંને ગૌરક્ષક પર છરીથી ઘાતકી હુમલો કરી દીધો હતો.
ફરિયાદ નોંધાવવાની તજવીજ
જેમાં એક જીવદયા પ્રેમી કિશન શર્માને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ સાથી ગૌરક્ષક જયેન્દ્ર રાદવાણિયાએ સમગ્ર મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.


