રાજકોટ: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP કાર્યકરો વચ્ચે બોલાચાલી
Rajkot News: રાજકોટ શહેરનું નીલ સિટી ક્લબ નવરાત્રિના માહોલ વચ્ચે ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. આ દરમિયાન નીલ સિટી ક્લબના માલિક ઈન્દ્રનીલ રાજ્યગુરુ પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો સાથે બોલાચાલી થતા વિવાદ સર્જાયો છે. જ્યારે VHPના કાર્યકર્તાઓ ક્લબમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચ્યા હતા, ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને રોક્યા હતા અને તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ
મળતી માહિતી મુજબ, VHPના કેટલાક કાર્યકરો નીલ સિટી ક્લબમાં ચાલી રહેલા ગરબાના આયોજનમાં વિધર્મી યુવાનોએ પ્રવેશ કર્યો છે કે કેમ, તે ચકાસવા માટે ગયા હતા. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHPના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, 'અમારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે એમનો સામનો કરી શકશો?' હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: 'કૌશિક તારી છાપ બગડતી જાય છે... પછી તકલીફ પડશે', પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન
નીલ સિટી ક્લબમાં બોલિવૂડ ગીતો વગાડવા અંગે VHPએ વાંધો ઉઠાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટની નીલ સિટી ક્લબમાં બોલિવૂડ ગીતો પર ગરબા રમાડવામાં આવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેના પર વિશ્વ હિન્દુ પરિષદે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ જણાવ્યું હતું કે,'નીલ સિટી ક્લબમાં બોલિવૂડના ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આવા કૃત્યો નીલ સિટી ક્લબ દ્વારા કરવા જોઈએ નહીં. અમે આ મામલે પોલીસને પણ રજૂઆત કરીશું અને આવા ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.'