Gujarat

રાજકોટ મનપાના સત્તાધીશોએ કલાકારોની આર્ટ ગેલરીમાં 14થી 30 ગણા ભાડાં ઝીંક્યા

By GS TEAM
2 Jul 20252 mins read
રાજકોટ મનપાના સત્તાધીશોએ કલાકારોની આર્ટ ગેલરીમાં 14થી 30 ગણા ભાડાં ઝીંક્યા

આમ પ્રજાના ટેક્સમાંથી બાંધકામ ખડકીને ધનાઢ્યો વાપરી શકે તેવા નિયમો  : કોઈ કલાકારને પરવડે નહીં તેવું એક દિવસના રૂ।. 14,000થી 37000નું તોતિંગ ભાડું, શાસકોને કોઈ રોકનાર- ટોકનાર નથી : મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું ત્યારે કલાકારોને સુવિધાની વાતો શાસકોએ પોકળ ઠરાવી

 રાજકોટ, : રાજકોટના રેસકોર્સમાં રૂ।. 5 કરોડના ખર્ચે તૈયાર થયેલી આર્ટ ગેલેરીનું જ્યારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું ત્યારે કલાકારોને સુવિધા મળશે તેવી સુફિયાણી વાતોનો ફિયાસ્કો આજે થયો છે. કલાકારો એ ભાજપના નેતાઓ અને અધિકારીઓ જેવા કરોડોપતિ હોતા નથી તે જાણવા સમજવા છતાં રાજકોટ મનપાના ભાજપના શાસકોએ આર્ટગેલરીમાં જુના જે ભાડા હતા તેનાથી 10થી 20 ગણા વધુ ભાડા મંજુર કરવાની કમિશનરની દરખાસ્ત આજે મંજુર કરી છે. 

કલા પ્રત્યે સમજ,રસ,રૂચિ કે આદરનો અભાવ ધરાવતા પૈસાના પ્રેમી શાસકોએ કોઈ ટિકીટ ન રાખી હોય અને કોઈ વેચાણ ન કરાય તેવી શરત સાથે પણ આર્ટગેલેરી માત્ર એક દિવસ ભાડે આપવા 645 ચો.ફૂટની ગેલરી માટે રૂ।. 7000, તથા 2000 ચો.ફૂટની ગેલરી રાખવા 15,000 અને 5080 ચો.ફૂટની ગેલરી માટે 20,000 ભાડુ ઉપરાંત દરેક માટે રૂ।. 7000નો સફાઈ, મેઈન્ટેનન્સ,સિક્યુરિટી,વ્યવસ્થા વગેરે ચાર્જ વસુલવાની દરખાસ્તને મંજુર કરી દેતા ભારે રોષ જાગ્યો છે.આમ એક દિવસનું ભાડુ રૂ।.14000થી રૂ।. 27000 થાય છે અને જો વેચાણ થાય તો રૂ।. 19,000થી રૂ।. 37000નું ભાડુ થાય છે. સ્થાયી સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જ્યારે આર્ટગેલરી નવી બની ત્યારે આંશિક ભાડા વધારવાની વાત સામે જુનુ ભાડુ મહત્તમ પ્રતિ દિન રૂ।. 1000 સામે ન્યુનત્તમ ભાડુ જ રૂ।. 14,000 છે એટલે કે 14 ગણુ છે જે  માટે કોઈ લોજિક રજૂ કરાયું નથી. કલાકારોમાં આ સામે ઉગ્ર રોષ જાગ્યો છે.